વાયરલ/દારૂનાં વ્યસનનાં વિરોધમાં સરપંચે ઢોલ વગાડી ગામલોકોને ચેતવ્યા, હવે પીવાવાળાની ખેર નથી.

0
499

દારૂબંધીનો ઢંઢેરો પીટતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
ગામના સરપંચના નવતર પ્રયોગના લોકોએ કર્યાં વખાણ

ગુજરાતમાં દારૂબંધી છતાં અમુક જગ્યાએ આ દૂષણ દૂર નથી થયું. અનેક પ્રયાસો છતાં યુવાઓ નશામાં ડૂબી રહ્યા છે. આ બધાની વચ્ચે ગુજરાતના એક સરપંચે દારૂબંધી માટે અનોખો રસ્તો અપનાવ્યો છે. સરપંચે ગામમાં ઢોલ વગાડીને દારૂ બનાવતા અને દારૂ પીતા લોકોને સુધરી જવાની સખત ચેતવણી આપી હતી. દારૂબંધીનો ઢંઢેરો પીટતો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. દારૂબંધીનો કડક અમલ કરવાના સરપંચના આ નવતર પ્રયોગનાં લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે.

વીડિયો જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના પસવાડા ગામનો હોવાનું ખૂલ્યું છે. વીડિયોમાં ઢોલી બોલે છે કે ‘સાંભળો સાંભળો સાંભળો, આજથી તારીખ 8-6-22થી સરપંચનો આદેશ છે કે ગામમાં કોઈએ દારૂ પીવો નહીં અને દારૂ પાડવો નહીં. જો કોઈ દારૂ પીશે કે દારૂ પાડશે તો સરપંચ કાયદેસર કાર્યવાહી કરશે.’

ગામની છાપ મિની દીવ તરીકે પડી ગઈ હતી
આ અંગે ગામના સરપંચ જયસિંહભાઈ નગાજી ભાટી જણાવ્યું હતું, ‘મારા ગામની અંદર દારૂની પ્રવૃત્તિ બહુ જ પ્રમાણમાં વધી ગઈ હતી. દારૂ પીવાવાળા અને દારૂ ઉતારવાવાળા (બનાવવા) વધી ગયા હતા. મારા ગામની છાપ મિની દીવ તરીકે પડી ગઈ હતી. નાની ઉંમરના યુવાનો દારૂને કારણે મૃત્યુ પામવા માંડ્યા હતા, જેથી તેમના ઘર-પરિવાર કે તેની પાછળની વ્યક્તિઓને હેરાનગતિ અને પરેશાની થતી હતી તેમજ દારૂના કારણે ગામમાં શિક્ષણનો દર પણ ઘટી રહ્યો હતો. આ બધાં કારણોસર ગામમાં દારૂબંધીનો ઢંઢેરો પીટવામાં આવ્યો હતો.’ તેમણે એવું પણ કહ્યું હતું કે પસવાડા ગીરના જંગલના છેવાડાનું ગામ હોવાથી તંત્ર ધ્યાન આપતું નથી.

ગામના લોકોએ એકસૂરમાં સરપંચના નિર્ણયને વધાવી લીધો હતો. ગામના લોકોના કહેવા મુજબ આના કારણે દારૂનું દૂષણ ઘટ્યું છે.

દારૂના કારણે ગામની 15થી 20 મહિલા વિધવા બની ગઈ
જૂનાગઢથી આશરે 40 કિમી દૂર આવેલા પસવાળા ગામમાં કુલ 700 લોકોની વસતિ છે. મોટા ભાગના લોકો ખેતી પર નિર્ભર છે. ગામમાં દારૂનું દૂષણ ખૂબ ફેલાયેલું છે. ગામ લોકોના કહેવા પ્રમાણે દારૂના કારણે ગામની 15થી 22 મહિલા વિધવા બની ગઈ છે. ફક્ત પસવાળા ગામ જ નહીં, કરિયા, સમતપરા, માલીડા વગેરે ગામોમાં પણ દારૂની બદી ફેલાયેલી છે.

ઢોલ વાગ્યા પછી બધું બંધ થઈ ગયું
ગામવાસી વીરસિંહ ભાટીએ કહ્યું હતું કે ઢોલ વગાડ્યા પહેલાં ગમે ત્યાં દારૂ મળતો હતો. ગમે ત્યાં દારૂ પીતા. પીને બધાને હેરાન કરતા. ઢોલ વાગ્યા પછી એ બધું બંધ થઈ ગયું. હવે ગામમાં શાંતિ છે. અન્ય ગ્રામીણ ભૂપતભાઇ માવજીભાઇ ઝીલિયાએ કહ્યું હતું કે તે પહેલાં દારૂ પીતો હતો, પણ ઢોલ વાગ્યા પછી બંધ કરી દીધો છે. આજે સાત દિવસ થયા છે. ગામમાં દારૂ બંધ થયો એ સારું થયું છે. ત્રીજાએ કહ્યું હતું કે ગામમાં હવે દારૂ નથી મળતો. કોઈ પીને પણ નથી આવતા. ગામમાં દારૂ મળે એવું લાગતું નથી. એક યુવાનને સવાલ પૂછવામાં આવ્યો કે ગામમાં દારૂ મળે છે? કોઈ ઉતારે છે? તો તેનો જવાબ ‘ના’ હતો.

દારૂના કારણે અનેક સ્વજનો ગુમાવ્યાંની હૈયાવરાળ લોકોએ કાઢી હતી.
યુવાનો દારૂ પીવામાં મરી ગયા
અન્ય એક વડીલ રાવતભાઇએ કહ્યું હતું કે દારૂ બંધ થઈ ગયો એ સારું થયું, આ દૂષણને કારણે તેમના બે ભત્રીજા જતા રહ્યા. એક અન્ય છોકરો સોનગઢ તરફ નોકરી કરતો હતો, અકસ્માતમાં મરી ગયો. તેનાં હાડકાં ભેગાં કરીને લઈને આવ્યા હતા, તે પણ દારૂમાં જ ગયો. 22-23 વર્ષની ઉંમરનો હતો. તેને બે નાના છોકરા છે.

દારૂને કારણે ખાસ કરીને ગામની મહિલાઓની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ છે. અનેક વિધવા મહિલાઓનું જીવન મુશ્કેલ બની ગયું છે.

વિધવા મહિલાઓને મજૂરી કરવી પડે છે
ગામનાં એક વૃદ્ધા હંસાબેને કહ્યું હતું કે ‘ગામમાં અત્યારે નાનીમોટી પ્રજા બહુ પીવાની શોખીન છે. તેમની બાજુના ઘરમાં બે યુવાન નાની ઉંમરમાં ગુજરી ગયા અને તેમની બંને વિધવા સાથે રહે છે અને મજૂરીકામ કરીને ગુજરાન ચલાવે છે. એકના ઘરે ત્રણ ને બીજીના ઘરે ચાર બાળક છે. તેઓ ત્રણ-ચાર પેઢી દૂર સંબંધી થાય છે, દુઃખ તો થાય ને. સરંપચે આ કામ બહુ સારું કર્યું.’

સામાન્ય પરિવારમાં જન્મેલા સરપંચ ટાંચા સાધનો વચ્ચે ગામના વિકાસ માટે અનેક પ્રવૃત્તિ કરી રહ્યા છે.

કોણ છે સરપંચ જયસિંહભાઈ?
ગામના સરપંચ જયસિંહભાઈ પોતે ગરીબ વર્ગમાથી આવે છે. તેઓ ત્રણ ધોરણ સુધી ભણેલા છે અને પોતાની દૂધની ડેરી ચલાવે છે. સરપંચ ગામમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને જાગૃતિ લાવવા મહેનત કરી રહ્યા છે. તે ગામનાં બાળકો માટે રાત્રિ શાળા પણ ચલાવે છે. દારૂની સમસ્યા ફક્ત પસવાડા જ નહીં, બાજુના કરિયા, સમતપરા, માલીડા ગામમાં પણ ફેલાયેલી છે. આ તમામ ગામોના સરપંચોએ તંત્રને પત્ર લખીને રજૂઆત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here