પોલીસ સહિતના વિભાગો અને ક્ષેત્રોમાં પ્રવર્તમાન સમયે મહિલાઓનું પ્રદાન નોંધનીય છે. મહિલાઓ સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓની સાથે કારકિર્દી સહિતના અનેકવિધ પાસાઓ પર ઉમદા યોગદાન આપી રહ્યા છે. આવા સમયે પોલીસ વિભાગમાં પણ મહિલા પોલીસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. મહિલા પોલીસ કર્મચારીઓને તાલીમ અને ફરજના ભાગરૂપે જવાનું થતું હોય છે ત્યારે તેમના બાળકોની કાળજી અને સારસંભાળ પૂરતી રીતે લેવામાં આવે અને બાળકની ચિંતા વિના માતા પોતાની રાષ્ટ્ર રક્ષાની ફરજ પણ પૂર્ણ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એસ.એમ.ઇશરાણી દ્વારા વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે ઘોડીયાઘરની શરૂઆત કરવામાં આવી હતી.
જેનુ ઉદધાટન મદદનિશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઘોડિયા ઘર શરૂ કરવાનો ઉદ્દેશ એ છે કે વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીઓના બાળકોનો યોગ્ય ઉછેર થાય, મહિલા પોલીસ કર્મીઓ પોતાના નાના બાળકો સાથે રાખી સારી રીતે ફરજ નિભાવી શકે તેમજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે પાસપોર્ટ ઇન્ક્વાયરી માટે આવતી જાહેર જનતા/મહીલાઓના નાના બાળકો માટે આ ઘોડિયાઘરનો ઉપયોગ કરી શકશે.
અહેવાલ : પરાગ સંગતાણી (વેરાવળ)