ભાવનગર મહાનગરપાલિકાની શાળાઓમાં અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ ૧,૫૦૦ ગરીબ બાળકોને શીશુવિહાર સંસ્થા દ્વારા સતત ૧૧ માં વર્ષે સ્કૂલ કીટ ,કંપાસ સેટ, વોટર બોટલ અને શૂઝનું વિતરણ

0
45

પ્રતિ વર્ષ ૨ બાળકોની કાળજીના સંકલ્પ સાથે ૧૮ હજાર બાળકોની શૈક્ષણિક કાળજી લેવાઇ રહી છે

આવતીકાલથી સમગ્ર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવની શરૂઆત થઇ રહી છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની શાળાઓમાં અભ્યાસ કરતાં જરૂરિયાતમંદ ૧,૫૦૦ ગરીબ બાળકોને શીશુવિહાર સંસ્થા દ્વારા સતત ૧૧ માં વર્ષે સ્કૂલ કીટ ,કંપાસ સેટ, વોટર બોટલ અને શૂઝનું વિતરણ કરી સાચા અર્થમાં પ્રવેશોત્સવની ઉજવણી સાર્થક કરી છે. ઉલ્લેખનીય છે કે, સ્વામિનારાયણ મંદિર, કુંડળધામના અધ્યક્ષ સ્વામીશ્રી જ્ઞાનજીવનદાસજી મહારાજ દ્વારા સાગર મહોત્સવ પ્રસંગે અત્યારના કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે શીશુવિહાર સંસ્થાનું રૂા. ૭,૫૧,૦૦૧ તેમજ પ્રશસ્તિપત્રથી કરવામાં આવેલ સન્માનની રકમમાંથી શિશુવિહાર સંસ્થાની શિક્ષણ અને સેવા પ્રવૃત્તિને ગરીબ બાળકો સુધી વિસ્તારવામાં આવી છે. આમ, સંસ્થાના સારાં કામ માટે મળેલ રકમનો ઉપયોગ પણ આ સંસ્થાએ બાળકોનું સર્વાંગી કલ્યાણ થાય તેવી ભાવના સાથે બાળકોના અભ્યાસ માટે જ આ રકમનો ઉપયોગ કરીને સમાજ સામે એક સારું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.
આ સંસ્થા દ્વારા શિક્ષકોના સામાજિક ઉત્તરદાયિત્વ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકો દ્વારા પસંદ થયેલ જરૂરિયાતમંદ બાળકોને પ્રથમ તબક્કે સ્કૂલ બેગ, ૫-૫ નોટબુક, કંપાસ સેટ, વોટર બોટલ અને વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓના માટેના માપ અનુસાર શુઝનું વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણની મુખ્યધારામાંથી ગરીબ વિદ્યાર્થી વંચિત ન રહી જાય તે માટેના પ્રયાસના ભાગરૂપે વર્ષ દરમિયાન શિક્ષકો પણ પસંદ કરેલ બે બાળકોની કાળજી લેતાં હોય છે. તેના વાલી સાથે સતત સંપર્કમાં રહે છે. શિક્ષણ સમિતિ, ભાવનગર સંચાલિત શાળાઓના શિક્ષકોની પહેલથી વર્ષઃ ૨૦૧૨થી યોજાતી પ્રવૃત્તિ થકી ૧૮ હજાર વિદ્યાર્થીઓની કાળજી લેવાઇ રહી છે.

જે સમગ્ર ગુજરાતમાં અનુકરણીય બાબત બની રહી છે. ભાવનગરનું શિક્ષણ જગત ગૌરવ લઇ શકે તેવી ઘટના સાથે જોડાયેલ નગરપાલિકાના શિક્ષકોને પ્રબોધન કરવાં માટે પણ પ્રતિ વર્ષમાં એક કાર્યક્રમ પણ યોજાવામાં આવે છે અને તે રીતે તેમનું પણ કૌશલ્યવર્ધન કરવામાં આવે છે. આ સંસ્થા બાળકોના સર્વાંગી વિકાસ માટે અવાર-નવાર શૈક્ષણિક સેમિનારો, તાલીમ અને વિવિધ શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે કાર્ય કરે છે. —

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here