આ વર્ષે કોરોના મહામારી ને કારણે દિવ પ્રશાસન દ્વારા તકેદારી ના ભાગરૂપે ‘કાજળા મહોત્સવ’ ની ઉજવણી માટે મંજૂરી ના આપવામાં આવતા સાદગી પૂર્વક સાત માતા ની પૂજા કરવામાં આવી.

દિવ માં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવ ના આંકડા માં વધારો થઈ રહ્યો છે જેને લઈ દિવ પ્રશાસન અને પ્રજા ચિંતિત છે, ત્યારે તકેદારી ના ભાગરૂપે દિવ પ્રશાસન દ્વારા અનેક આદેશ જારી કરવામાં આવ્યા છે. કોરોના વાયરસ ના સંક્રમણ થી બચવા માટે લોકો ની ત્યોહારો માં ભીડ જમા ના થાય તે વાત ને ધ્યાનમાં રાખીને આ વર્ષે દિવ વાંઝા જ્ઞાતિ નો ‘કાજળા મહોત્સવ’ ધાર્મિક કાર્યક્રમ રદ કરવામાં આવ્યો. દર વર્ષે વાંઝા જ્ઞાતિ દ્વારા કાજળા પર્વ ની ખૂબજ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. અને તેનું દિવ ખાતે ખાસ મહત્વ રહેલું છે. વાંઝા જ્ઞાતિ દ્વારા કબીર ભગત ની યાદ માં આ ખાસ પર્વ ની ઉજવણી કરવામાં આવે છે, જે માત્ર ને માત્ર દિવ માં જ ઉજવાય છે. જેમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક શ્રીફળ ની પૂજા કરવામાં આવે છે અને પૂજા બાદ નાગરવેલ ના પાન નો માંડવો સજાવી ને તેમાં વચ્ચે શ્રીફળ ને છુપાવી ને રાખવામાં આવે છે. કહેવાય છે કે એ શ્રીફળ માં ખૂબ જ મહત્વ રહેલું હોય છે. જેના કારણે આ શ્રીફળ ને લોકો દ્વારા મહા મહેનતે લુટવામાં આવે છે જેને લઈને દિવ ઝાંપા પાસે આ મહત્વપૂર્ણ નારિયેળ ને લૂંટવા દર વર્ષે દરેક સમુદાય ના લોકો ખૂબ મોટી સંખ્યામાં એકઠા થાય છે. જેથી આ વર્ષે કોરોના મહામારી ને કારણે દિવ પ્રશાસન દ્વારા કાજરા મહોત્સવ ની ઉજવણી માટે મંજૂરી આપવામાં નથી આવી.
જેથી આ વર્ષે દિવ વાંઝાં જ્ઞાતિ ના પટેલ રોહિત સોલંકી અને સમાજ ના અગ્રણીઓ એમ ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો દ્વારા ઝાંપા પાસે સ્થિત સાત માતા ના સ્થાનકે માસ્ક પહેરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે પૂજા – અર્ચના કરવામાં આવી.
અહેવાલ : – મણીભાઈ ચાંદોરા . દીવ