- ભારતની માંગ પ્રમાણે પેંગોગ ત્સો, ગોગરા અને દેપ્સાંગમાંથી ચીન તેના સૈનિક હટાવી રહ્યું નથી
- ભારતના 15 હજાર સૈનિક મોજૂદ
- ભારતની માંગ-ચીનના પૂર્વી લદ્દાખના તમામ વિસ્તારોમાં 5 મેના રોજ થયેલા વિવાદ અગાઉની સ્થિતિ પૂર્વવત કરવામાં આવે
નવી દિલ્હી. પૂર્વ લદાખ સરહદે ભારત-ચીન તણાવ વચ્ચે મેજર જનરલ સ્તરની ફરી એકવાર વાતચીત થઈ હતી. આ મુદ્દે ભારતીય સેનાએ કહ્યું કે, અમે પૂર્વ લદાખના દેપસાંગમાં એલએસી પરથી ચીનના 17 હજાર સૈનિક હટાવવા અપીલ કરી હતી. ત્યાં ભારતના પણ 15 હજાર સૈનિક મોજૂદ છે. બંને સેના તોપ અને અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે.
ભારતના અનેક વિસ્તારમાં ચીની સૈનિકો
પાંચમી મેથી પૂર્વ લદાખમાં સર્જાયેલા તણાવને ખતમ કરવા બંને સેના વચ્ચે લેફ્ટનન્ટ જનરલ સ્તર વચ્ચે પાંચ વાર વાતચીત થઈ ચૂકી છે. જોકે, આ પાંચ બેઠક પછીયે બંને દેશ વચ્ચે વિવાદ યથાવત્ છે. ચીનની સેના ફિંગર-5 અને ગોગરા પોસ્ટ પાસે તહેનાત છે અને પાછળ હટવા ઈનકાર કરી ચૂકી છે. બીજી તરફ, ભારત ફિંગર-4 અને 8 વચ્ચે ચીની સેનાને પાછળ હટાવવા મક્કમ છે. આ દરમિયાન ચીન સેનાએ ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં એલએસી પર મોરચો સંભાળી લીધો છે. આ પહાડી વિસ્તાર છે અને ત્યાં ચીની સેના નીચેની તરફ છે. લદાખ સેક્ટર મુદ્દે સંરક્ષણ મંત્રાલયે પણ સ્વીકાર્યું છે કે, ભારતના અનેક વિસ્તારોમાં ચીનના સૈનિકોની હાજરી છે.
ચીન 5 મે અગાઉ જેવી સામાન્ય સ્થિતિનું નિર્માણ કરે
લશ્કરી વાટાઘાટમાં ભારત શક્ય એટલા જલ્દીથી સેનાને પાછળ હટાવવા માટે ભાર આપે છે. ભારત ઈચ્છે છે કે ચીન પૂર્વી લદ્દાખના તમામ સ્થળો પર 5 મેના રોજ પૈંગોંગ ત્સોમાં જે વિવાદ થયો હતો તે અગાઉની સામાન્ય સ્થિતિને પૂર્વવત કરવામાં આવે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)એ ગલવાન ઘાટી તથા અન્ય કેટલાક તણાવવાળા વિસ્તારોમાંથી સેનાને પાછી ખેંચી હતી. જોકે, પૈંગોંગ ત્સો, ગોગરા અને દેપ્સાંગમાંથી સેના પાછી ખેંચી નથી.
દૌલત બેગ ઓલ્ડી અને દેપ્સાંગ પર ધ્યાન કેન્દ્રીત
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવારે બેઠકમાં દૌલત બેગ ઓલ્ડી તથા દેપ્સાંગ વિસ્તારમાંથી સેનાને પાછી ખેંચવાની પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. જમીની પરિસ્થિતિ જોતા અત્યાર સુધી વિવાદનો કોઈ સંતોષજનક ઉકેલ આવ્યો નથી. ભારતીય સેના અને વાયુસેનાને લદ્દાખ, ઉત્તરી સિક્કીમ, ઉત્તરાખંડ તથા અરુણાચલ પ્રદેશમાં LACના તમામ વિસ્તારોમાં હાઈ લેવલ ઓપરેશન માટે તૈયાર કહેવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય સેના પણ તૈયાર
ચીનના અવિશ્વાસભર્યા ઈરાદાને અગાઉથી જ અંદાજ લગાવી ભારતીય સેના સજ્જ છે. જેને પગલે આ વિસ્તારમાં ભારતીય સેનાએ લાંબા સમય સુધી મોર્ચો સંભાળી શકાય તે માટે પૂર્વ તૈયારી કરી લીધી છે. ભારતીય સૈનિક સ્થિતિ પર નજર રાખી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે લદ્દાખમાં અત્યારે આશરે 35 હજાર સૈનિક ગોઠવવામાં આવેલા છે.