નવી દિલ્હી: કોરોનાની રસીની દોડમાં રશિયા સૌથી આગળ નીકળી ગયું છે અને તેણે કોરોના વાયરસની રસી તૈયાર કરી લીધી હોવાનો રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને દાવો કર્યો છે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ પુતિનના દીકરીને આ તૈયાર થએલી કોરોના વાયરસની રસી આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને વિશ્વની સૌપ્રથમ કોરોના રસી લોન્ચ કરી છે. તેમણે રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોને જણાવ્યું કે તેઓ આ રસી અંગે તેમને સંપૂર્ણ માહિતગાર કરે. તેમણે સાથે એમ પણ કહ્યું કે આ રસી ‘ખુબ અસરકારક’ રીતે કામ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ પેદા કરે છે.
ન્યૂઝ એજન્સી એએફપીના અહેવાલ મુજબ સરકારના મંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સમાં તેમણે જણાવ્યું કે આજે કોરોના વાયરસ સામેની દુનિયાની પહેલવહેલી રસી આજે રજિસ્ટર્ડ થઈ ગઈ. તેમણે ત્યારબાદ આ રસી પર કામ કરી રહેલા તમામનો આભાર માન્યો અને તેને વિશ્વ માટે આ એક મહત્વનું પગલું ગણાવ્યું.
ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ મુજબ પુતિને સાથે એ પણ કહ્યું કે આ રસીએ જરૂરી તમામ પરીક્ષણો પાસ કર્યા છે. તેમણે કહ્યું કે તેમની બેમાંથી એક દીકરીને આ રસી અપાઈ છે અને તેઓ સારું ફીલ કરે છે.
અત્રે જણાવવાનું કે રશિયાના નાયબ આરોગ્ય મંત્રી ઓલેગ ગ્રીડનેવે ગત શુક્રવારે કહ્યું હતું કે આ રસી Gamaleya Research Institute અને રશિયાના રક્ષા મંત્રાલય દ્વારા બનાવવામાં આવી છે. આ રસીને 12 ઓગસ્ટના રોજ રજિસ્ટર્ડ કરવાનું નક્કી કરાયું હતું.