અમદાવાદ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઓનલાઇન PAYTM એપ્લિકેશનમાં KYC અપડેટ કરવાના બહાને છેતરપિંડી કરનારા 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી સોહિલ સોકતખાન પઠાણ ઓફિસમાં બેસી દેશના 8 રાજ્યોના 25 લાખથી વધુ લોકોને KYC અપડેટના મેસેજ કરી પોતાના જાળમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. 2 વર્ષમાં પરપ્રાંતિય છેતરપીંડી કરતી ગેંગ સાથે મળીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો છે. હાલ આ મામલે સાયબર ક્રાઇમ વધુ તપાસ કરી રહી છે.

આરોપીઓ એપ્લિકેશનથી છેતરપિંડી કરતા હતા
સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીને આધારે ટેક્નિકલ વર્કના કરી આરોપી સોહિલખાન અને મોહસીન ખાનની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રખિયાલમાં એક ઓફિસ રાખી ગેટવેની મદદથી હોરિઝોન નામની એપથી ગુજરાત, હરિયાણા મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઝારખંડ, પંજાબ, દિલ્હી, બિહાર અને બંગાળના લોકોને મેસેજ કરતો હતો. આરોપીનું કામ પૂરું થઈ જતા અલગ-અલગ રાજ્યોના અન્ય આરોપીઓ ભોગ બનનારને ટીમ વ્યૂઅર ડાઉનલોડ કરાવી તેમના ખાતાની માહિતી જાણી રૂપિયાની છેતરપિંડી કરતા હતા. આરોપીઓ ગુજરાતમાં જ 1 કરોડથી વધુની છેતરપિંડી કરી ચૂક્યા છે. આ ઉપરાંત સાથે 25 લાખ લોકોને મેસેજ પણ મોકલી ચૂક્યા છે.
પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો
આરોપીઓ અલગ-અલગ રાજ્યમાં 200થી વધારે ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસને આરોપી પાસેથી 8 બેંક એકાઉન્ટ, 58 લાખ રોકડ રૂપિયા, છેતરપિંડીના રૂપિયાથી લીધેલી કાર, બાઈક અને દુકાન સહિત અન્ય મુદ્દામાલ મળી આવ્યા છે. આરોપીને એક મેસેજના 2 રૂપિયા મળતાં હોવાનું સામે આવ્યું છે.