રાજકોટ. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. રાજકોટમાં આજે વધુ 7 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. રાજકોટમાં અત્યાર સુધીમાં 1900થી વધુ કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ગોંડલનો રાજવી પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. ગોંડલના મહારાજા અને મહારાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગોંડલનો રાજવી પરિવાર કોરોનાની ઝપેટમાં
ગોંડલના મહારાજા સાહેબ અને મહારાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગોંડલના હઝુર પેલેસના નિવાસ સ્થાને જ મહારાજા અને મહારાણીને હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગે પેલેસના કર્મચારીઓને પણ ક્વોરન્ટીન કરવાની તજવીજ હાથ ધરી છે.
ઘરે-ઘરે જઈ લોકોના ટેસ્ટ કરવામાં આવે છે
દર્દીઓની સંખ્યાની સાથે સાથે હોમ આઈસોલેશનની સંખ્યા વધતી જાય છે. રાજકોટમાં હાલ 472 લોકો ઘરે રહીને જ કોરોના સામે જંગ લડી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં સુપર સ્પ્રેડર શોધવા માટે શાકભાજી વેચનારાઓના ટેસ્ટ થઈ રહ્યા છે. પડધરીમાં બે દિવસ દરમિયાન એકપણ કેસ આવ્યો નથી. યુનિવર્સિટીની એમ.એડ. સેમેસ્ટર-4ની પરીક્ષાર્થીની તબિયત સુધરતા હોસ્પિટલમાંથી મંગળવારે રજા અપાઈ છે અને હોમ આઇસોલેશનમાં રહેવાનો નિર્ણય કર્યો છે.