દશેરાએ મોરબીના નાયબ મામલતદારના પરિવાર પર આભ ફાટ્યું, ત્રણ વર્ષીય પુત્રનું કાર નીચે કચડાતા મોત

0
86

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી આલાપધામ સોસાયટીના પાર્કિંગમાં મોરબીના નાયબ મામલતદારનો ત્રણ વર્ષનો પુત્ર કાર નીચે આવી જતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. હાલ તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

ઘરે દીકરાનો જન્મ થયો હોય ત્યારે પરિવાર કેવો ખુશ હોય? બાળકના માતા-પિતા સહિત પરિવારજનોમાં એવો હરખ હોય કે ન પૂછો વાત.  ઘરમાં કિલકારીઓ ગુંજી ઉઠી હોય અને દાદા-દાદી અને માતા-પિતા બનવાનો અનોખો ઉમંગ અતૂટ હોય. અને એકાએક એવી ઘટના બની જાય કે જે સપનેય ન વિચાર્યુ હોય. આવુ જ બન્યુ રાજકોટમાં.

કાર નીચે કચડાયો માસુમ
રાજકોટમાંથી ફ્લેટ-સોસાયટીઓમાં રહેતા પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલી આલાપધામ સોસાયટીમાં રહેતા મોરબીના નાયબ મામલતદાર મેહુલ હીરાણીનો ત્રણ વર્ષનો દીકરો સોસાયટીના પાર્કિંગમાં રમી રહ્યો હતો. આ દરમિયાન માસુમ પર કાર ફરી વળી હતી. બાળકની ચીખ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. તો માસુમના પરિવારને આ અંગેની જાણ કરાતા તેઓ પણ તાત્કાલિક પાર્કિંગમાં દોડી આવ્યા હતા. 

માતાના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ
જે બાદ તાત્કાલિક તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, મોરબીના નાયબ મામલતદાર મેહુલ હીરાણીના દીકરાએ શ્વાસ છોડી દેતા માતાના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ હતી. સમગ્ર મામલે તાલુકા પોલીસને જાણ થતા પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી.

પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી 
સમગ્ર ઘટનાને લઇને  પરિવારમાં ભારે શોકની લાગણી ફરી વળી છે. માતાના આંખમાંથી આંસુ રોકાવાનું નામ નથી લઇ રહ્યા. હાલ પોલીસે મૃતક બાળકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે ઘટનાના સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે અકસ્માતમાં કોની ભૂલ હતી એની તપાસ હાથ ધરી છે. હાલ આ મામલે તાલુકા પોલીસની ટીમ તપાસ કરી રહી છે. 

અહેવાલ : દિલીપ વાગડીયા (રાજકોટ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here