મેઘમહેર / સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન, રાજકોટનો ન્યારી ડેમ-1 ઓવરફ્લો, આજી, ભાદર, શેત્રુંજી અને મોજ ડેમમાં નવા નીરની આવક

0
624
  • ડેમોમાં નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીની લહેર
  • નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું

રાજકોટ. છેલ્લા 4-5 દિવસથી સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને અમરેલી પંથકમાં વરસાદ પડ્યો છે. સતત મેઘમહેરના કારણે સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીર આવ્યા છે. સૌરાષ્ટ્રના 30થી વધુ ડેમોમાં પાણીની આવક જોવા મળી છે. રાજકોટનો ન્યારી ડેમ-1 ઓવરફ્લો થયો છે. જ્યારે મોજ, ભાદર 1, ન્યારી, આજી અને શેત્રુંજી સહિતના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેથી નિચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. ધોધમાર વરસાદના પગલે સૌરાષ્ટ્રમાં નદી-નાળા અને ચેકડેમો છલકાયા છે.

ન્યારી ડેમ-1 ઓવરફ્લો
રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 4 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેથી રાજકોટ જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટનો ન્યારી ડેમ-1 ઓવરફ્લો થયો છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. આજી ડેમ-1ની સપાટી 26 ફૂટે પહોંચી ગયો છે. એટલે કે ઓવરફ્લો થવામાં 3 ફૂટ બાકી છે. ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે ડેમોમાં પાણીની આવક થઈ રહી છે.

શેત્રુંજી ડેમમાં પાણીની આવક થતા પાણીનો પ્રશ્ન હલ થયો
શેત્રુંજી ડેમના ઉપરવાસમાં ગારીયાધાર તાલુકામાં, લીલીયા, લાઠી, બગસરા ,બાબરા અને સાવરકુંડલા સહિતના તાલુકાઓમાં વરસાદને પગલે શેત્રુંજી ડેમમાં પાણીની આવક થઈ છે. શેત્રુંજી ડેમ 34 ફુટે ઓવરફ્લો થાય છે. ડેમમાં સતત પાણીની આવક થતાં ભાવનગર અને પાલિતાણાનો પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો છે.

ભાદર-1માં પાણી આવક ચાલુ
સૌરાષ્ટ્રના બીજા નંબરના ભાદર ડેમ-1માં નવા નીરની આવક થઈ છે. ભાદર ડેમ-1 રાજકોટ, જેતપુર, ગોંડલ, સહિતના શહેરોને પીવાનું પાણી પુરૂ પાડે છે. ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. ભાદર-1 હાલ 50 ટકા જેટલો ભરાય ગયો છે.

વીરપુરનો છાપરવાડી ડેમ ઓવરફ્લો
વીરપુર પંથકના વાળાડુંગર ગામ પાસે આવેલો છાપરવાડી ડેમ ગતરાત્રે ઓવરફ્લો થયો છે. સિંચાઈ માટે બનેલા આ ડેમના પાણીથી લુણાગરા, મેવાસા, પ્રેમગઢ, કેરાળી સહિતના ગામોના ખેડૂતોને પિયત માટે પાણી પુરૂ પાડે છે. ગતરાત્રે પડેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે. જેથી ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યાં છે. હાલ 18 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે.

અમરેલી જિલ્લાનો સુરવો ડેમ છલકાયો
અમરેલી જિલ્લાના વડિયા ગામનો સુરવો ડેમ છલકાયો છે. વરસાદના પગલે મોડી રાત્રે સુરવો ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી વડીયા, ચારણીયા, ચારણ સમઢીયાળા સહિતના ગામનો એલર્ટ આપવામાં આવ્યું છે.

નવા નીરથી ખેડૂતોમાં ખુશી
એક તરફ સૌરાષ્ટ્રમાં સતત પડી રહેલા અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ છે. નદીઓ ગાંડીતુર બની છે. તો બીજી તરફ જળાશયોમાં પાણીની આવક વધવાથી ખેડૂતો અને સૌરાષ્ટ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં પાણીની તંગી જોવા મળતી હોય છે. પરંતુ છેલ્લી બે સિઝનથી ચોમાસુ સારૂ જઇ રહ્યું છે અને આ વખતે તો શરૂઆતમાં જ જળાશયોમાં 80 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here