રાજકોટઃ ૬ વર્ષની દીકરીને ઘરે મુકીને કામ પર ગયેલા પિતાને પરત ફરતા મળી લાશ !! પિતા ભાંગી પડ્યા

0
59507

રાજકોટઃ શહેરમાં ખળભળાટ મચાવતી એક ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પુનિતનગર પાસે નવા બનતા વૃંદાવન ગ્રીન સીટીની સાઇટ પર મજૂરી કરતાં અને ત્યાં જ ઓરડી બનાવીને રહેતાં મુળ દાહોદના ગરબાડા તાબેના નિમસ ગામના અરવિંદભાઇ રસીયાભાઇ ડામોર (ઉ.વ.૨૬)ની દિકરી નેન્સી (ઉ.વ.૬) ગઇકાલે ૧૩મીએ બપોરે ત્રણથી ચારની વચ્ચે વૃંદાવન ગ્રીન સીટી સાઇટની મજૂરોની રહેણાંક ઓરડીમાંથી ગૂમ થઇ હતી. આ મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન આજે સવારે આ માસુમ બાળકીની પુનિતનગર પાસે જ ગળુ કાપી હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છેઃ તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન.ડી. ડામોર તથા ડી. સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઉચ્ચ અધિકારીઓ પણ દોડી ગયા છે.

બનાવ અંગે ગઇકાલે તાલુકા પોલીસે હત્યાનો ભોગ બનેલી બાળાના પિતા અરવિંદભાઇ અમલીયારની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરૂધ્ધ આઇપીસી ૩૬૩ મુજબ અપહરણનો ગુનો નોંધ્યો હતો અને બાળાની તપાસ મધરાત સુધી હાથ ધરી હતી. દરમિયાન આજે સવારે તેની હત્યા કરાયેલી લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

અપહરણની ફરિયાદમાં અરવિંદભાઇ અમલીયારે જણાવ્યું હતું કે હું હાલ પરિવાર સાથે વૃંદાવન ગ્રીનસીટીની સાઇટ પર રહુ છું અને મારા બાજુના ગામ સીમળીયા બુજુર્ગની રેખા સાથે પ્રેમસંબંધ હોઇ તેની સાથે ૨૦૧૨માં લવમેરેજ કર્યા હતાં. લગ્ન જીવનમાં એક દિકરી નેન્સીનો જન્મ થયો હતો. જે હાલ ૬ વર્ષની હતી. એ પછી રેખા સાથે મારે છુટાછેડા થઇ ગયા હતાં. નેન્સી મારી સાથે જ રહેતી હતી. ૨૦૧૫મા ખરેડી ગામની કાળીબેન સાથે મેં લવમેરેજ કર્યા છે. તેના થકી સંતાનમાં એક દિકરી કિર્તી (ઉ.વ.૩) છે. બંને દિકરી અને પત્નિ સાથે છ એક વર્ષથી હું રાજકોટમાં રહુ છું.

ગુરૂવારે ૧૩મીએ બપોરે ત્રણેક વાગ્યે હું પરિવાર સાથે સાઇટ પર ઓરડીમાં હતો. દિકરી નેન્સી ઘર પાસે રમવા ગઇ હતી. મારી પત્નિ કાળીને નેન્સી પોતે શેરીમાં રમવા જાય છે તેમ કહીને ગઇ હતી.