ન્યુઝ અપડેટ્સ મીડિયાને સુત્રો પાસેથી મળતી વિગત મુજબ, ભાજપનાં જ વિરોધી જૂથ દ્વારા સામેના જૂથ પર ચૂંટણીનાં ખરા-ખરીનાં સમયે એક બ્લેકમેઈલીંગનું ષડયંત્ર પણ હોઈ શકે,જેમાં બલીનો બકરો એક સામાન્ય પરીવારનો યુવા ભાજપનો કાર્યકર જ છે.
તા.૧૨,રાજકોટ: ગુજરાત વિધાનસભા-૨૦૨૨ માટેની ૧૮૨ બેઠકો પર રાજકીય ગરમાવો શરુ થઇ ચુક્યો છે.ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી સહીતના અન્ય પક્ષોનાં ઉમેદવારોએ તૈયારીઓનાં શ્રીગણેશ શરુ કરી દીધા છે.ત્યારે રાજકોટ જીલ્લા ભાજપનાં એક કાર્યકર દ્વારા જીલ્લા ભાજપનાં યુવા મોરચાનાં પ્રમુખ સહીતનાં અડધો ડઝન જેટલા અગ્રણીઓ સામે આક્ષેપો થયા છે.
જાણવા મળતી વિગત મુજબ, રાજકોટ જીલ્લા ભાજપના યુવા મોરચાનાં એક પૂર્વ કારોબારી સદસ્ય દ્વારા રાજકોટ જીલ્લા યુવા ભાજપનાં પ્રમુખ સતીષ શિંગાળા સામે એક વિડીયો મારફતે એવા આક્ષેપો કરવામાં આવ્યા છે કે,સતીષ શિંગાળા તથા અન્ય સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા તેમને હેરાન-પરેશાન કરવામાં આવે છે અને વારંવાર કનડગત કરવામાં આવી રહી હતી. ઉપરાંત આ વિડીયોમાં પૂર્વ કારોબારી સદસ્ય દ્વારા સોશીયલ મીડિયા મારફતે વાયરલ કરાયેલા એક વિડીયોમાં પોતાને શિંગાળા પાસેથી ૩૨ થી ૩૫ લાખ રૂપીયા લેવાનાં હોઈ જે ન આપવાનાં આશયથી પોલીસ સીસ્ટમનો દુર ઉપયોગ કરીને પોતાને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનનાં સ્ટાફ દ્વારા ઉઠાવીને માર મારવાનો આક્ષેપ પણ પોલીસ સામે કરવામાં આવ્યો છે.તથા પોતાના પૈસા અપાવી દેવાનો વિશ્વાસ અપાવનાર ભાજપના જીલ્લા પ્રમુખ મનસુખ ખાચરીયા, પ્રશાંત કોરાટ સહીતનાં ભાજપ અગ્રણીઓ સામે પણ જીલ્લા યુવા ભાજપના પૂર્વ સદસ્યએ આક્ષેપો કર્યા છે.
શું છે સમગ્ર ઘટના??
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરીને આક્ષેપ કરનાર યુવાન પોતાને ભારતીય જનતા પાર્ટીનાં રાજકોટ જીલ્લાનાં યુવા મોરચાનાં પૂર્વ કારોબારી સદસ્ય દર્પણ બારસીયા જણાવે છે. અને તે રાજકોટ જીલ્લા યુવા ભાજપના પ્રમુખ સતીષ શિંગાળા સામે એવા આક્ષેપ કરે છે કે, પોતાને સતીષ શિંગાળા પાસેથી ૩૨ થી ૩૫ લાખ જેવી મોટી રકમ લેવાની હોય જેના અનુસંધાને તે રકમ પરત ન આપવી પડે તે માટે પોતા પર પોલીસનો દુરઉપયોગ કરીને પોતાને રાજકોટ તાલુકા પોલીસનાં સ્ટાફ દ્વારા અચાનક ઉઠાવી લેવામાં આવે છે અને તાલુકા પોલીસ મથકનાં ડી-સ્અટાફ રૂમમાં લઇ જવામાં આવે છે ત્યારબાદ તાલુકા પોલીસ મથકનાં પીઆઈ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવે છે.અને તેને માર પણ મારવામાં આવે છે.
ત્યારબાદ અંદાજે અડધા કલાક બાદ મારા ફોન તાલુકા પોલીસ મથકનાં કોમ્પ્યુટરમાં જોડીને ૨ કલાક સુધી ચેક કર્યા પછી પોલીસ મથકે રાજકોટ જીલ્લા યુવા પ્રમુખ સતીષ શિંગાળા ત્યાં રૂબરૂ આવેલ અને મેં તેમને પણ પૂછ્યું કે,શું છે આ બધું? તેમને મને એવું જણાવ્યું કે, થોડી વાર બેસ હમણાં બધું ખબર પડી જશે.ફરી પીઆઈ આવ્યા અને મને તેમણે પૂછ્યું કે,રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાના શું-શું કૌભાંડનાં વિડીયો તારી પાસે છે? કોઈ કૌભાંડના પૂરાવા છે કે કેમ? આવા પ્રશ્ન પૂછતા મેં કોઈપણ વસ્તુ મારી પાસે નથી તેમ કહીને કોઈપણ વસ્તુની કબુલાત કરેલ નહિ ત્યારબાદ તેઓએ મને માનસિક રીતે ત્રાસ આપીને કબુલાત કરવા માટે અસહ્ય ત્રાસ આપેલ છતાં મેં કોઈપણ જાતની કબુલાત ન કરેલ અને મારા ફોનમાંથી એવો કોઈપણ પ્રકારનો ડેટા પણ મળેલ નથી .
ત્યારબાદ મને માલુમ પડ્યું કે, મારે અને સતીષ શિંગાળાને જે પૈસાની લેતી-દેતી હતી અને તેની પાસેથી જે પૈસા લેવાના હતા તેના મારી પાસે પુરાવા હતા એ પુરાવા સતીષ શિંગાળાએ પોલીસનો દુરઉપયોગ કરીને મારા ફોનમાંથી ફોર્મેટ મરાવી દીધા અને તે ઉપરાંત મારા ઘરે પણ તપાસ કરેલ કે આ પુરાવાઓ અન્ય પેનડ્રાઈવ કે લેપટોપમાં સાચવી રાખેલ હોઈ તો તેમાંથી પણ ડેટા ફોર્મેટ કરવા માટે પ્રયાસ કરવામાં આવેલ પરંતુ મારા ઘરે એવી કોઈપણ અન્ય વસ્તુ છે નહિ તેવું મેં કહેલ છતા મને ૧ કલાકથી વધુ સમય સુધી મને માર મારેલ અને એવું પૂછવામાં આવેલ કે,આ સિવાય અન્ય જગ્યાએ પૈસાની લેતી-દેતીનાં પુરાવાઓ ક્યા સાચવી રાખ્યા છે? ત્યારબાદ મને રાત્રે ૨-૨.૩૦ વાગ્યા આસપાસ મને છોડી મુક્યો.
આ પોલીસ સ્ટેશનનાં બનાવનાં ત્રીજા દિવસે રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરીયાનો ફોન આવેલ અને તેમને મને કહ્યું કે,જે હોઈ તે આપડે બધું પતાવવાનું જ છે. આ વાત ક્યાય જાહેર ન થાવી જોઈએ. આ દિવસે તેમના પારિવારિક સભ્યનું ઓપરેશન રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં ચાલતું હતું ત્યાં મને રૂબરૂ બોલાવ્યો અને મારી સાથે રાજકોટ જીલ્લા યુવા મોરચાનાં ઉપપ્રમુખ ગૌતમ બારસીયાને પણ ત્યાં રૂબરૂ બોલાવ્યા હતા. અને અમને બંનેને મનસુખ ખાચરીયા દ્વારા સમજાવાયા કે, આ પ્રકરણ પૂરું કરવાનું છે આમાં કાઈ લાંબુ કરવાનું નથી, આમાં પાર્ટીની ઈમેજ ખરડાઈ નહિ તેની પણ કાળજી રાખવાની છે.
આ સાથે આ યુવાન એક રેકોર્ડીંગ રજુ કરીને એવા પણ આક્ષેપ કરે છે કે,મનસુખ ખાચરીયાએ ત્યારબાદ અમારી સાથે એક મીટીંગ કરેલ અને તેમાં મને તેમને મારા પોલીસ સ્ટેશનનાં બનાવ અંગે તે પોલીસ મથકનાં પીઆઈ સાથે ટેલીફોનીક વાતચીત કર્યા બાદ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ સતીષ શિંગાળાને ત્યાં બોલાવ્યા અને તેનું રાજીનામું લેવામાં આવેલ. અને મારા પૈસા પરત અપાવવા માટે મને ચોક્કસ સમય આપીને મને વિશ્વાસમાં લીધેલ.આ ઉપરાંત પણ આ યુવાને એક ઘટસ્ફોટ કર્યો છે કે,રાજકોટ જીલ્લા ભાજપના પ્રમુખ મનસુખ ખાચરીયાનો જન્મદિવસ આજથી અંદાજે છ મહિના પૂર્વે હતો જેની ઉજવણી કરવા માટે અમે યુવા મોરચાના સદસ્યો તેમના ઘરે ગયા હતા.ત્યારે સતીષ શિંગાળા દ્વારા એક ખુબ કીમતી ઘડિયાળ બર્થ-ડેની ભેટમાં આપાયેલ હતી.તે ઘડિયાળના પૈસા ગૌતમ બારસીયાએ આપેલ હતા તે પૈસા બાબતે ગૌતમ બરસીયાએ પણ ફોન દ્વારા અનેક વખત શિંગાળા પાસે પૈસા પરત આપવા અંગે ટેલીફોનીક વાત કરેલ.
ત્યારબાદ આ સમગ્ર ઘટનામાં યુવાન દ્વારા એવો પણ આક્ષેપ છે કે, સતીષ શિંગાળા અને ભાજપના વિજય કોરાટ એ બંને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર પાસે ગયેલા અને તેમને કમિશ્નરને કરેલી વાત પરથી કમિશ્નર દ્વારા રાજકોટ તાલુકા પોલીસે મને અચાનક ઉઠાવીને મને માનસિક ત્રાસ અને માર માર્યો હતો.જો આ લોકો કમિશ્નર સુધી સીધા સંપર્ક ધરાવતા હોય તો તેની ઉપર અમે તો ક્યા સુધી પહોંચી શકીએ તેવું પણ આ વિડીયોમાં યુવાને જણાવ્યું છે.
ત્યારબાદ યુવકે આ વિડીયોનાં અંતમાં એવી પણ રજૂઆત કરી છે કે, અમે આજે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર છીએ છતાં પણ જો અમારી પર આવું થાય તો અમે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને વિડીયો મારફતે રજૂઆત કરીએ છીએ કે, આ લોકો વિરુદ્ધ કડક પગલાં ભરીને અમને ન્યાય અપાવશો.
આક્ષેપો સાચા કે “સીન્ડીકેટ બ્લેકમેઈલિંગ”??
ન્યુઝ અપડેટ્સ મીડિયાને સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ,ચૂંટણીનાં ખરાખરીનાં સમયે રાજકોટ જીલ્લા ભાજપનો જુથવાદ હોય શકે છે.એવી પણ શક્યતાઓ સેવાઈ રહ્યી છે કે, સતીષ શિંગાળા સહીતનાં જૂથનાં લોકો સામે ભાજપનાં જ અન્ય એક જુથે મોરચો માંડ્યો છે. અને આ યુવાનનાં પ્રકરણનો લાભ લઈને આ તમામ પ્રકરણને રાજકીય રંગે રંગી દેવામાં આવ્યું છે.અને સામાન્ય પરિવારનાં આ યુવાનને તેમના જ જૂથના લોકો સામે વિરોધ દર્શાવીને જાહેરમાં આ લોકોને બદનામ કરીને અનેક પ્રલોભનો પણ આપી શકાયા હોવાની પણ વાતની પણ સ્પષ્ટતા સુત્રોમાંથી જાણવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ન્યુઝ અપડેટ્સ મીડિયાને એવા પણ પુરાવાઓ મળ્યા છે કે,જે આ આક્ષેપ કરનાર યુવાનની વિરુદ્ધનાં છે.ન્યુઝ અપડેટ્સ મીડિયાને મળતા પુરાવા મુજબ આક્ષેપ કરનાર યુવક પર આશરે દોઢેક વર્ષ પૂર્વે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં જ અપહરણ સહીતનાં ગુન્હાની FIR દાખલ થઇ છે જેની ચાર્જસીટની નકલ સહીતનાં જીવતા પુરાવાઓ ન્યુઝ અપડેટ્સ મીડિયા પાસે છે.

ઉલ્લેખનીય છે કે, જો આક્ષેપ કરનાર ગુનાહિત ઇતીહાસ ધારવતા હોય તો ભાજપનાં આગેવાનો અને રાજકોટ શહેર પોલીસ કમિશ્નર સામે કરેલા આક્ષેપોમાં કેટલું તથ્ય ??
શું છે પોલીસની ભૂમિકા?
આ પ્રકરણ બાબતે ન્યુઝ અપડેટ્સ મીડિયા દ્વારા રાજકોટ તાલુકા પોલીસ મથકનાં પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલીયાનો સંપર્ક કરવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે,પોલીસને દર્પણ બરસીયા નામના વ્યક્તિ વિરુદ્ધ લેખિત અરજી મળેલી હતી. જેને લઈને તાલુકા પોલીસ દ્વારા અરજીનાં અનુસંધાને આ કાર્યવાહી કરવામાં આવેલી છે.અને તમામ કાર્યવાહી પેપર પર નોંધેલી છે. અને વિડીયોમાં આક્ષેપ કરનાર યુવક દ્વારા તાલુકા પોલીસ સામે જે આક્ષેપ કરવામાં આવ્યા છે તે પાયાવિહોણા છે.
ઉલ્લેખનીય છે કે, આ વિડીયો વાયરલ થયા બાદ કડક અધિકારીની છાપ ધરાવતા રાજકોટ શહેરનાં પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા તટસ્થ કાર્યવાહી થાય અને તમામ પ્રકારનાં પુરાવાઓ મેળવીને પોલીસે ખરેખર આ તપાસનાં મૂળ સુધી પહોંચવું જોઈએ અને જો આ પ્રકરણમાં ભાજપનાં અગ્રણીઓ ગુન્હામાં સંડોવાયેલા હોઈ તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ અને જો આવા કોઈપણ પ્રકારના પુરાવાઓ ન મળી શકે તો,આક્ષેપ કરનાર યુવાનનું “સિન્ડીકેટ બ્લેકમેઈલિંગ” કોના ઇશારે કરવામાં આવ્યું છે તે તમામ લોકો વિરુદ્ધ કાયદાની કલમ ઉઠાવીને આ બાબતે ઘટસ્ફોટ કરવો જોઈએ.