વરસાદે સૌરાષ્ટ્રને ઘમરોળ્યું, ધોરાજીમાં ધોધમાર વરસાદ, હિરણ નદીમાં 5 ભેંસ તણાઈ, રાજકોટ જિલ્લામાં કોરોનાના 4 હજારથી વધુ કેસ

0
1128

રાજકોટ. 1. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
સમગ્ર સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત રહી છે. ત્યારે રાજકોટ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં છે. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પડ્યો છે. જેને કારણે જ્યાં જોવો ત્યાં પાણી-પાણી જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. ઉનાનુ માણેકપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ભાવનગરમાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા રસ્તાઓ પર પાણી ભરાયા છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 71.88 ટકા વરસાદ પડ્યો છે. તો આ તરફ અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે લુવરિયા ગામ નજીકથી પસાર થતા ગાગડીયા નદીમાં પૂર આવ્યું છે.

2. ધોરાજીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ
ધોરાજીમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે નીચણાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદના પગલે ધોરાજીમાં આવેલ ભાદર-2 ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. મહત્વનું છે ધોરાજીમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે.

3. હિરણ નદીમાં ઘોડાપૂર આવતા 5 ભેંસ તણાઈ
ગીર સોમનાથ પંથકમાં પડેલા ભારે વરસાદના પગલે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. હિરણ નદીમાં ઘોડાપૂર આવતા મંડોર ગામના ખેડૂતોની 5 જેટલી ભેંસ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી. ગીર સોમનાથ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

4. વરસાદે ઘણી જગ્યાએ તારાજી પણ સર્જી
ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ તારાજી પણ સર્જી છે. જેમાં બોટાદના ઢસા નજીક આવેલા પીપરડી ગામમાં ત્રણ કાચા મકાન ધરાશાયી થયા છે. જો કે, સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બીજા કિસ્સામાં ગીર-સોમનાથના સૂત્રાપાડાના પ્રાચી તીર્થ નજીક આવેલા સરસ્વતી નદીના બ્રિજ પર ખાનગી બસ ફસાઈ હતી. જેને કારણે 2 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. તો આ તરફ ભારે વરસાદને પગલે જામકંડોરણા પાસે આવેલા ફોફળ ડેમમાં દૂધીવદરથી મોટા ભાદરા જવાના કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે બંધ થઈ ગયો છે. ફોફળ ડેમના કોઝવે પર પાણીનો પ્રવાહ વધતા કાર પાણીમાં તણાતા જોવા મળી છે. જો કે, કાર ચાલક અને કારનો બચાવ કરવામાં આવ્યો છે.

5. રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત્
રાજકોટમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે શનિવારે રાજકોટમાં કુલ 95 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 5 દર્દીના કોરોનાથી મોત નીપજ્યાં છે. કોરોનાના નવા કેસમાં રાજકોટ સિટીના 64 અને ગ્રામ્ય વિસ્તારના 31 કેસ છે. એક એનાલિસિસ પ્રમાણે રાજકોટમાં છેલ્લા 7 દિવસમાં 100 લોકોના કોરોનાથી મોત થયા છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ કેસની સંખ્યા 4 હજારને પાર પહોંચી ગઈ છે.