ખાડી પૂરમાંથી વધુ 55નું રેસ્ક્યુ, 24 કલાકમાં 1થી લઈને 3 ઈંચ સુધી વરસાદ, કોરોનાના દર્દીઓની સંખ્યા 17 હજારને પાર

0
448
  • સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 1 ઈંચથી લઈને 3 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો
  • સુરત શહેર સહિત જિલ્લામાં મધ્યમ વરસાદથી ખાડી પૂરના પાણી ઓસરવાની આશા

સુરત. 1. વધુ 55 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા
સુરત શહેર સહિત જિલ્લામાં મધ્યમ વરસાદ નોંધાયો છે. ત્યારે સુરત શહેરની ખાડીઓ ઓવરફ્લો થતા લિંબાયત, પરવત પાટીયા, કતારગામ, વરાછાનો વિસ્તારમાં ખાડી પૂરને લઈને અસરગ્રસ્ત થયો છે. છેલ્લા બે દિવસથી ખાડી પૂરને લઈને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે આજે ત્રીજા દિવસે પણ પાણી યથાવત છે. દરમિયાન ફાયર વિભાગ દ્વારા વધુ 55 લોકોનું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 400થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે લિંબાયત અને પરવત પાટીયા વિસ્તારમાંથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

2. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 2, ઉમરપાડામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ
સુરત શહેર સહિત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 1 ઈંચથી લઈને 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સુરત સિટીમાં બેં ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરત શહેર અને જિલ્લામાં વરસાદ થોડો ઘટતા ખાડી પૂરના પાણી થોડા ઓસરવાની આશા સેવવામાં આવી રહી છે.

3. સુરતમાં કોરોનાનો કહેર યથાવત્
સુરત મહાનગરપાપાલિકા અને જિલ્લા પ્રશાસને જાહેર કરેલા આંકડા મુજબ 14 ઓગસ્ટથી 15મી ઓગસ્ટની સાંજ સુધીમાં વધુ 234 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. આમ, અત્યાર સુધીમાં કુલ પોઝિટિવનો કેસનો આંકડો 17,262 થયો છે. આ સાથે જ વધુ 9 મોત સાથે મૃત્યુઆંક 729 થયો છે. આ ઉપરાંત શહેરના 321 અને જિલ્લાના 52 દર્દીઓ સાથે મળીને કુલ 373 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 13,321 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. હાલ શહેરમાં કુલ 19 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

4. સુરતમાં સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી
સુરતમાં ગઈકાલે સ્વાતંત્ર્યતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વન-આદિજાતિમંત્રી ગણપતભાઈ વસાવાએ ધ્વજ ફરકાવ્યો હતો. ઉપરાંત આ પ્રસંગે પદાધિકારીઓ-અધિકારીઓના હસ્તે કોરોનાની મહામારી વચ્ચે દિવસ-રાત ખડેપગે રહીને દર્દીઓની સારવાર કરતા શહેર-જિલ્લાના નવી સિવિલ હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા ડોકટરો, પેરામેડિકલ સ્ટાફ, આશાવર્કરો, લેબટેકનિશિયનો મળી કુલ 22 કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

5. સુરતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો ડૂબ્યાં
સુરત જિલ્લાં ભારે વરસાદના કારણે ખાડી પૂરની સમસ્યા સર્જાઈ છે. દરેક ખાડીઓ ભયજનક લેવલથી ઉપર વહી રહી છે. જેમાંની મીઠી ખાડીએ તારાજી સર્જી છે. મીઠી ખાડીના કિનારે આવેલા પરવત પાટીયાથી લઈને લિંબાયતના કમરૂનગર, ફુલવાડી, બેઠી કોલોની સહિતના વિસ્તારોમાં ગળાડૂબ કરતાં પણ વધુ પાણી ભરાયા છે. તંત્રએ ફાયર બ્રિગેડની 10 ટીમને કામ સોંપી પૂરમાં ફસાયેલા 400થી વધારે લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી પૂરમાં ફસાયેલા લોકો હવે અકળાઈ રહ્યાં છે. લોકોને આ તારાજીથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે લોકોએ તંત્રને સર્વે કરવાનું જણાવી તાત્કાલિક વળતર આપવા માટે માગ કરી છે.