- બીલીમોરા નજીક પોંસરી ગામે 5 અને રાણાવાવ નજીક 4, દ્વારકામાં 3 તણાયા
- સુરતમાં ખાડીના પૂરથી હજી પણ કેટલોક વિસ્તાર પાણીમાં ગરકાવ
- વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી ઘટતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો
અમદાવાદ. ગુજરાતમાં મેઘમહેર હવે મેઘતાંડવમાં ફેરવાતી જાય છે. રાજ્યમાં ઠેર ઠેર વ્યાપક વરસાદ થયો છે. અનેક ઠેકાણે પૂર આવ્યા છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ સુરત શહેરની છે. સુરત શહેરની ત્રણ ખાડીમાં પાણી આવતા શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 20.50 ફૂટ થતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આજવા ડેમની સપાટી પણ ઘટીને 212.10 ફૂટ થઈ છે.
સુરતના બલેશ્વર ગામે કેડસમા પાણીમાં મહિલાનો જનાજો કાઢવાની ફરજ પડી હતી. આ બાજુ વલ્લભીપુરની નસીતપુરની કેરી નદીમાં પણ ઘોડાપૂર આવ્યા હતા. બીજી બાજુ સમગ્ર રાજ્યમાં 6 ઇંચ સુધીનો વરસાદ થવા પામ્યો છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના બીલીમોરા નજીક પોંસરી ગામે કાવેરી નદીના સંગમ પર એક હોડીમાં જઈ રહેલા 5 લોકો હોડી પલટી ખાવાથી તણાઈ ગયા હતા. તેમાંથી 3ને બચાવાયા હતા. એક મહિલાનું મોત થયું હતું. જ્યારે હજુ એક લાપત્તા છે. તેવી જ રીતે રાણાવાવ નજીક મોકરના રણમાં પાણી ભરાતા 4 યુવાનો તેમાં તણાઈ ગયા હતા. એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. એક યુવાન બચી ગયો છે જ્યારે બાકીના બેની એનડીઆરએફની ટીમ શોધખોળ કરી રહી છે.
દ્વારકાની હડમતિયા નદીમાં ઘોડાપૂર આવતા 3 યુવાનો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે તણાઈ ગયા હતા. તાત્કાલિક એનડીઆરએફની ટીમ આવી જતા એક યુવાનને બચાવી શકાયો હતો જ્યારે 2ના મૃતદેહ મળી આવ્યા હતા. રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે.
ક્યાં કેટલો વરસાદ
કપરાડા | 6.7 ઇંચ |
નવસારી | 5 ઇંચ |
જલાલપોર | 4.7 ઇંચ |
ગણદેવી | 6 ઇંચ |
ચીખલી | 6.5 ઇંચ |
વાંસદા | 5 ઇંચ |
ખેરગામ | 4.7 ઇંચ |
ઊંઝા | 4.5 ઇંચ |
વિસાવદર | 4 ઇંચ |
પાટણ | 3.5 ઇંચ |
ઉમરપાડા | 3.5 ઇંચ |