હોસ્પિટલ-મેડિકલ નથી તે ગામડાંની મહિલાઓને 3 વિદ્યાર્થિનીએ 3 હજાર સેનેટરી પેડ નિ:શુલ્ક આપ્યા

0
343

ધોરણ 10-12ની વિદ્યાર્થિનીઓએ એનજીઓ શરૂ કરી: દર મહિને સેનેટરી પેડ આપશે

રાજકોટ. વિદ્યાર્થીઓ સામાન્ય રીતે અભ્યાસ દરમિયાન ભણવામાં જ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે, જેમ જેમ ભણીને આગળ વધતા જાય એમ કરિયરને લઈને નિર્ણયો કરતા હોય છે, પરંતુ રાજકોટની ધોરણ 10 અને 12ની ત્રણ વિદ્યાર્થિનીએ ભણતા ભણતા એનજીઓ શરૂ કરી દીધી અને કુવાડવા પાસે આવેલા ખખાણા ગામે જ્યાં હોસ્પિટલ કે મેડિકલ સ્ટોરની સુવિધા નથી ત્યાં જઈને ગામની મહિલાઓને 3 હજાર જેટલા સેનેટરી પેડનું નિ:શુલ્ક વિતરણ કર્યું અને બહેનોને સ્વાસ્થ્ય અને સુરક્ષાલક્ષી માર્ગદર્શન પણ આપ્યું.

પહેલા પોકેટમનીથી કામ ચલાવ્યું, બાદમાં સ્પોન્સર મળ્યાં
ત્રણેય વિદ્યાર્થિનીએ દર મહિને રવિવારે જુદા જુદા ગામડે જઈને મહિલાઓને સેનેટરી પડે વિતરણ કરવાનું નક્કી કર્યું છે. વિદ્યાર્થિનીઓએ કહ્યું કે, પહેલા અમે અમારી પોકેટમની માંથી સેનેટરી પેડ ખરીદવાના હતા પણ બાદમાં અમને સ્પોન્સર મળ્યા. ધોરણ-10ની વિદ્યાર્થિની હેત જોષી અને સંજના કોઠારી તેમજ ધોરણ-12ની વિદ્યાર્થિની કાવ્યા જોષી જણાવે છે કે, તેઓ સ્કૂલના પ્રોજેક્ટ દરમિયાન કુવાડવા પાસેના ખખાણા ગામે ગયા હતા.

એક મહિલાને છ સેનેટરી પેડ આપતા હતા
મહિલાઓ સાથે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે, તેઓ સેનેટરી પેડને બદલે કપડાંનો ઉપયોગ કરી રહ્યા છે. અમે ઇન્ટરનેટ પર આ અંગે જાણકારીઓ શોધી, કેટલાક સરવે પણ સ્ટડી કર્યા જેમા જાણવા મળ્યું કે ગામડાઓમાં માત્ર 26% મહિલાઓ જ સેનેટરી પેડનો ઉપયોગ કરી રહી છે. લોકડાઉન દરમિયાન અમે ચર્ચા-વિચારણા કરી અને આખરે અદીરા નામથી એક એનજીઓ શરૂ કરી છે. સૌથી પહેલા અમે જે ગામમાં પ્રોજેક્ટ માટે ગયા હતા ત્યાં જ એક મહિલાને છ એમ કુલ 3000 સેનેટરી પેડનું નિ:શુલ્ક વિતરણ કર્યું છે. સાથે સાથે પેડના ઉપયોગથી તેમને શું ફાયદા થશે, બીમારીઓ નહીં થાય તે અંગે પણ સમજાવ્યું.આગામી દિવસોમાં અમે દર મહિને એક ગામડે જઈને મહિલાઓને સેનેટરી પેડ વિતરણ કરવા નિર્ધાર કર્યો છે.