દોરડું બનાવી કોરોના દર્દી ચોથા માળેથી ભાગવા જતાં જૂની ચાદર ફાટી, નીચે પટકાતા કેદીનું મોત

0
434
  • ગોંડલ જેલનો કેદી એકવાર ભાગ્યા બાદ પકડાતા રાજકોટ રેનબસેરામાં રખાયો હતો
  • પોલીસની જીપ લૂંટીને ભાગ્યો’તો, હત્યા અને ચોરી સહિતના ગુનામાં સંડોવાયો’તો

રાજકોટ. ગોંડલ સબ જેલમાં કાચાકામના કેદી તરીકે રહેલા આનંદગીરી હરિગીરી ગોસ્વામી (ઉ.વ.50)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. વોર્ડના શૌચાલયની બારીનો કાચ કાઢી ગત તા.10ના આનંદગીરી નાસી ગયો હતો અને આ અંગે પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો, એક દિવસ બાદ ગોંડલ પોલીસે તેને ઝડપી લેતા કોરોનાગ્રસ્ત કેદી આનંદગીરીને રાજકોટ મોચીબજાર કોર્ટ પાસે આવેલા ચારમાળના રેનબસેરામાં રાખવામાં આવ્યો હતો અને ત્યાં તેની કોરોનાની સારવાર ચાલુ હતી.

કેદીએ 20 ચાદર એકસાથે બાંધી દોરડું બનાવ્યું
કેદી આનંદગીરીએ રેનબસેરામાં રહેલી 20 ચાદરને એકસાથે બાંધી તેનું દોરડું બનાવ્યું હતું અને એક છેડો રેનબસેરાના શૌચાલયના પિલર સાથે બાંધ્યો હતો અને બીજો છેડો નીચે ફેંક્યો હતો. ચોથા માળેથી નીચે ઉતરતી વખતે જૂની એક ચાદર ફાટતા કેદી આનંદગીરી નીચે પટકાયો હતો, તેના પગ અને માથામાં ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં એ.ડિવિઝન પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે.

રાજ્યમાં પ્રથમ વખત પોઝિટિવ દર્દીનું વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ
સિવિલ હોસ્પિટલના તબીબી સૂત્રોએ જણાવ્યું હતું કે, કેદી આનંદગીરી કોરોનાગ્રસ્ત હોવાને કારણે તેનું અન્ય મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ થાય તે રીતે કરવું શક્ય નહોતું, આ સંજોગોમાં લાશનું સીટી સ્કેન કરી વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, કોરોનાગ્રસ્ત લાશનું વર્ચ્યુઅલ પોસ્ટમોર્ટમ થયું હોય તેવો રાજ્યનો આ પ્રથમ કિસ્સો હતો, મૃત્યુ પછી થયેલા નિદાનમાં પણ આનંદગીરીનો કોરોના પોઝિટિવ રિપોર્ટ
આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here