- મવડી વિસ્તારના રિયલ પ્રાઇમ એપાર્ટમેન્ટનો કિસ્સો
- સતત વાતચીત અને મેસેજ કરતી પત્નીનો પતિએ મોબાઇલ ચેક કરતાં જાણ થઇ ગઇ
રાજકોટ. શહેરના મવડી વિસ્તારમાં આવેલી 14 માળની બિલ્ડિંગમાં રહેતી પરિણીતાએ રવિવારે મધરાતે પોતાના 12મા માળના ફ્લેટ પરથી કૂદકો મારી જીવનનો અંત આણી લીધો હતો. પરિણીતાના પરપુરુષ સાથેના પ્રેમસંબંધનો ભાંડો ફૂટતા તેના પિતા અને સસરાએ ઠપકો દીધો હતો જેનું માઠું લાગતા પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધું હતું.
મવડી મેઇન રોડ પર બાપા સીતારામ ચોક પાસે આવેલા રિયલ પ્રાઇમ એપાર્ટમેન્ટમાં રહેતા ધારાબેન હિરેનભાઇ લીંબાસિયા (ઉ.વ.25)એ રવિવારે મધરાતે 1 વાગ્યે પોતાના 12મા માળના ફ્લેટ પરથી કૂદકો માર્યો હતો. ધારાબેનના પડવાનો ધડાકો થતાં એપાર્ટમેન્ટના લોકો જાગી ગયા હતા અને નીચે જઇ તપાસ કરતાં ધારાબેન બેભાન હાલતમાં મળી આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.એમ.રાઠવા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જસદણ પંથકના ધારાબેનના લગ્ન સાડાચાર વર્ષ પૂર્વે કારખાનેદાર હિરેનભાઇ લીંબાસિયા સાથે થયા હતા, સાડાચાર વર્ષના લગ્નજીવન દરમિયાન તેમને સંતાનસુખ પ્રાપ્ત થયું નહોતું. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે, ધારાબેન મોડીરાત સુધી મોબાઇલમાં કોઇ વ્યક્તિ સાથે વાતચીત કરતા હતા અને સતત મેસેજ કરતા હોવાથી તેમના પતિ હિરેનભાઇને શંકા ઊઠી હતી અને તેમણે મોબાઇલ ચેક કરતાં ધારાબેનના અન્ય પુરુષ સાથેના પ્રેમસંબંધની જાણ થઇ હતી, આ અંગે હિરેનભાઇએ તેમના પરિવારજનોને તેમજ ધારાબેનના પિયરિયાઓને જાણ કરતા રવિવારે સાંજે ધારાબેનના પિતા, કાકા સહિતના પરિવારજનો રાજકોટ આવ્યા અને પિતા-સસરા સહિતના પરિવારજનોએ બેઠક કરીને ધારાબેનને સમજાવી ઠપકો દીધો હતો, જે બાબતનું માઠું લાગી આવતા ધારાબેને મોતનો કૂદકો માર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.