ખોડિયાર ડેમ ઓવરફ્લો, બે દરવાજા ખોલ્યા , અમરેલી જિલ્લાના 11 જળાશયો પૈકી 6 છલોછલ : સતત વરસાદ બાદ પણ અમરેલીનો વડી ડેમ રહ્યો ખાલીખમ

0
420

મોડી સાંજે ખોડિયાર ડેમ ઓવરફ્લો થતાં તંત્રને દરવાજા ખોલવાની ફરજ પડી હતી , અન્ય ડેમ ઓવરફલો થઇ રહ્યાં છે

અમરેલી. અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સતત પડી રહેલા ભારે વરસાદને પગલે જિલ્લાના 11 પૈકી 6 જળાશયો પાણીથી લથબથ બન્યાં છે. જિલ્લાનો સૌથી મોટા ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. ખોડિયાર ડેમનો બે દરવાજા પોણો ફૂટ ખોલવામાં આવ્યો છે. જેથી 7 તાલુકાના 46 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. ધારીનો ખોડિયાર ડેમ છલકાતા જિલ્લામાં હરખની હેલી જોવા મળી રહી છે.

ખોડિયાર ડેમ અમરેલી જિલ્લાનો સૌથી મોટો ડેમ છે
ધારી નજીક શેત્રુંજી નદી પર આવેલ ખોડિયાર ડેમ અમરેલી જિલ્લાનો આ સૌથી મોટો ડેમ છે. ચાલુ ચોમાસામાં દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડયો હોય રાજુલા, જાફરાબાદ પંથકના જળાશયો છલકાઇ ગયા છે. છેલ્લા સપ્તાહ દરમિયાન સતત પડી રહેલા વરસાદને પગલે શેત્રુંજી નદીમાં ભારે પૂર આવતા ખોડિયાર ડેમમાં વિપુલ જળરાશી ઠલવાઇ છે. હાલમાં આ ડેમ 96 ટકા ભરાયો છે. અહીં 28.67 એમસીએફટી પાણી ભરેલું છે. બીજી તરફ હાલમાં અમરેલી જિલ્લાના 6 ડેમ ઓવરફલો થઇ રહ્યાં છે. ધાતરવડી-1 અને 2 ઉપરાંત રાયડી, વડીયા, શેલદેદુમલ અને સુરજવડી ડેમ છલકાઇ રહ્યાં છે. અમરેલી નજીક આવેલા વડી ડેમમાં હાલમાં નામ માત્રનું પાણી છે. જયારે મુંજીયાસર ડેમ પણ 76 ટકા જેટલો ભરાઇ ગયો છે. જો ચોમાસાની આ જ પ્રકારની ગતિ રહી તો ઓણસાલ જિલ્લાના માેટાભાગના ડેમ ઓવરફલો થઇ જશે.

ઠેબી અને વડી ડેમમાં સૌથી ઓછુ પાણી
અમરેલી શહેરને જે ડેમમાંથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. તે બંને ડેમમાં સૌથી ઓછું પાણી આવ્યું છે. ઠેબી ડેમ 51 ટકા ભરાયો છે. જયારે વડી ડેમ તો માત્ર 18 ટકા ભરાયો છે. જો કે ચોમાસાને હજુ ઘણા દિવસો બાકી છે જેને પગલે આ ડેમમાં પણ પુરતી માત્રામાં પાણી આવવાની આશા છે.

ધાતરવડીમાં 2374 કયુસેકસની જાવક
રાજુલા પંથકમા ધાતરવડી-2 ડેમ પરથી હાલ 2374 ક્યુસેક પાણીની જાવક થઇ રહી છે. જયારે ધાતરવડી-1 પરથી 1626 કયુસેક, રાયડીમાંથી 776 ક્યુસેક અને વડીયામાંથી 318 ક્યુસેકની જાવક થઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here