રાજકોટઃ પોરબંદરના સાંસદ રમેશ ધડુકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે તેમના દીકરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે આજે તેમનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત 12 ઓગસ્ટના રોજ તેમના ઘરે ધામધૂમથી જન્માષ્ટમી ઉજવવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવમાં ગીતા રબારી સહિતના કલાકારો અને મહાનુભાવો જોડાયા હતા. આ તમામ લોકો સાથે રમેશભાઈ ધકુડ પણ જોવા મળ્યા હતા.
સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. અને પોઝીટીવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોરોના સાથે લડવા માટે સરકારે કેટલાક નિયમોનું પાલન ફરજીયાત કર્યું છે. આ નિયમોનું પાલન નહીં કરનારને સરકાર ભલે છોડી દે, પણ કોરોના છોડતો નહીં હોવાનું ફરીવાર સાબિત થયું છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર પોરબંદરનાં સાંસદ રમેશ ધડૂકનાં પુત્ર નૈમિશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર શરૂ કરવામાં આવી છે. જે પછી ખુદ સાંસદ રમેશ ધડૂકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં જાણિતી ગુજરાતી ગાયીકા ગીતા રબારી સહિત અન્ય સ્થાનીક કલાકારો પણ આવ્યા હતા. જે બધાના માથે હવે કોરોનાનું સંકટ ફરી રહ્યું છે. જોકે ચાહકો અને સ્વજનો દ્વારા તમામના સારા સ્વાસ્થ્યની પ્રાથના કરવામાં આવી રહી છે પરંતુ સાંસદ પુત્રના આ કાર્યક્રમે ઘણાને જોખમમાં મુકી દીધા.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં રમેશ ધડૂકનાં બંગલે જન્માષ્ટમીની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધડૂકનાં પૌત્રને કાનુડો બનાવવામાં આવ્યો હતો અને ગીતા રબારી સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં અનલોક-3ની તમામ ગાઈડલાઇનનો ઉલાળીયો કરાયો હોવાની ચર્ચા ચાલી હતી. જો કે આ માટે તંત્ર દ્વારા તેમના ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન્હોતી.
આમ પણ સામાન્ય રીતે નિયમોનું પાલન માત્ર સામાન્ય લોકો પાસે કરાવાતું છે. ઉંચી વગવાળા લોકો તો આ નિયમોને ઘોળીને પી જતા હોય છે. પરંતુ આ નિયમોનું પાલન નહીં કરનારને કોરોના છોડે એમ નથી એ વધુ એકવાર સાબિત થયું છે. ત્યારે હવે સાંસદ અને તેમના પુત્ર જલ્દી સ્વસ્થ થઇ અને આ નિયમોની અગત્યતા બીજાને સમજાવે તો સારું છે.