કાલે જનરલ બોર્ડ: કોરોના-ખખડધજ રસ્તા પ્રશ્ને વિપક્ષ કરશે હલ્લાબોલ

0
376

કોરોનાના સતત વધતા કેસ છતાં દર્દીના નામ-સરનામા જાહેર ન કરવાની નીતિ સામે વિપક્ષ બોર્ડમાં હંગામો મચાવશે સામાન્ય વરસાદમાં ખાડાનગરમાં ફેરવાઈ ગયેલા રસ્તા પ્રશ્ર્ને પણ શાસકો અને અધિકારીઓને ઘેરશે કોંગ્રેસ

શહેરના રૈયા રોડ પર આવેલા પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે આવતીકાલે સવારે ૧૧ કલાકે મેયર બીનાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મળશે. શહેરમાં સતત વધી રહેલા કોરોનાના કેસ અને સામાન્ય વરસાદમાં બિસ્માર બની ગયેલા રોડ-રસ્તાના પ્રશ્ર્ને કોંગ્રેસ હલ્લાબોલ તેવી શકયતા વર્તાઈ રહી છે.

મહાપાલિકામાં કાલે સવારે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં પ્રશ્ર્નોતરીકાળમાં સટાસટી બોલે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યાં છે. ભાજપના ૨૦ કોર્પોરેટરોએ ૨૨ પ્રશ્નો જ્યારે કોંગ્રેસના  ૫ કોર્પોરેટરોએ ૧૩ પ્રશ્નો રજૂ કર્યા છે. બોર્ડમાં સૌપ્રથમ ભાજપના કોર્પોરેટર અને બાંધકામ સમીતીના ચેરમેન મનિષભાઈ રાડીયાના પ્રશ્નો અંગે ચર્ચા થશે. વણલખી પરંપરા મુજબ બોર્ડનો એક કલાકનો પ્રશ્નોતરીકાળ માત્ર એક જ પ્રશ્ર્નની સાચાખોટી ચર્ચામાં વેડફાઈ જતો હોય છે. જ્યારે નગરસેવકોના અન્ય તમામ પ્રજાલક્ષી પ્રશ્નોના જવાબો કાગળ પર આપી દેવામાં આવતા હોય છે. છેલ્લા બે જનરલ બોર્ડથી વિપક્ષ કોંગ્રેસ રાજકોટમાં ફાટી નીકળેલા કોરોનાના કેસ મુદ્દે બોર્ડમાં હંગામો મચાવે છે. મ્યુનિ.કમિશન દ્વારા છેલ્લા એક માસથી કોરોનાના દર્દીને નામ તથા સરનામા જાહેર કરવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. આ મુદ્દે કોંગ્રેસે ઉપવાસ આંદોલન પણ છેડ્યું હતું. દરમિયાન આવતીકાલે જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસ કોરોના મુદ્દે હંગામો મચાવે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યાં છે. કોંગ્રેસના કોર્પોરેટરો પીપીઈ કીટ ધારણ કરી સભાગૃહમાં પ્રવેશ મેળવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

છેલ્લા ઘણા દિવસથી શહેરમાં પડી રહેલા સામાન્ય વરસાદથી મુખ્ય રાજમાર્ગો અને શેરી-ગલીઓના રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે. રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય વ્યાપી ગયું છે. ખાડામાં રોડ છે કે રોડમાં ખાડો છે તે નક્કી કરી શકાતું નથી. ખખડધજ રસ્તાથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા છે. કાલે વિપક્ષ કોંગ્રેસ ખરાબ રસ્તાઓ પ્રશ્ર્ને અને ખાડા પ્રશ્ર્ને પણ બોર્ડ ગજાવે તેવું લાગી રહ્યું છે. સતત વધી રહેલા કોરોનાના કેસ અને કરોડો રૂપિયાનું આંધણ છતાં દર વર્ષે તૂટતા રોડ પ્રશ્ર્ને વિપક્ષ શાસક અને અધિકારીઓને ઘેરવાના મુડમાં છે. કાલે જનરલ બોર્ડની બેઠકમાં અલગ અલગ ૫ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. જેમાં મિલકત વેરામાં વળતર યોજનામાં સુધારો કરવા, ગેબનશાપીર દરગાહ પર આવેલ જાહેર યુરીનલ દૂર કરવા, કોર્પોરેશનમાં સીધી ભરતીથી નિમણૂંક પામેલા સિવિલ એન્જીનીયરીંગમાં અનુસ્નાતક થયેલા ત્રણ ઈજનેરોને સરકારના ઠરાવ મુજબ નવી નિમણૂંકની જગ્યાના પગાર ધોરણમાં ૩ વાર્ષિક ઈજાફા આપવા, વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં ભારત ચોક પેટ્રોલપંપ પાસેના ચોકનું સ્વ.બાલસિંહજી દેવીસિંહજી સરવૈયા નામકરણ કરવા તથા આજી ડેમ પાછળ નિર્માણાધીન અર્બન ફોરેસ્ટને રામવન નામકરણ કરવા સહિતની ૫ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here