રાજકોટ:જસદણના ભડલીમાં બોગસ ડોક્ટર ઝડપાયો, 6 હજારનો મુદ્દામાલ જપ્ત

0
335
  • ડોક્ટરે કહ્યું આયુષ મંત્રાલયમાં નેચરોપેથી કર્યાનું સર્ટિફિકેટ ધરાવું છું

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જસદણના ભડલીમાં બોગસ ડોક્ટર ઝડપાયો છે. રાજકોટ પોલીસે બોગસ ડોક્ટર પાસેથી 6 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પરંતુ ડોક્ટર કહે છે કે મેં આયુષ મંત્રાલયમાં નેચરોપેથી કર્યું છે અને તેનું સર્ટિફિકેટ પણ ધરાવું છું. ડોક્ટર પાસે સર્ટિફિકેટ હોવા છતાં પોલીસે ક્યાં આધારે રેડ કરી તે એક સવાલ લોકોમાં ઉઠ્યો છે.

પોલીસે છ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
ઘટનાની વિગત અનુસાર રાજકોટ પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે જસદણના ભડલી ગામે બોગસ ડોક્ટર હોવાનું જાણવા મળ્યું હતું . જેથી પોલીસે બાતમીના આધારે દરોડા પાડી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગ્લુકોઝના બાટલા, ઇન્જેક્શન, સીરીજ અને જુદા-જુદા રોગોની એન્ટીબાયોટિક દવાઓ સહિત 6 હજાર 631 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડોક્ટરે કહ્યું પૈસા પડાવા મને દબાવવામાં આવ્યો

ડોક્ટરે જણાવ્યું હતું કે, શિવરાજપુર અને માધ્વીપુર ગામ વચ્ચે એક હોટલમાં પોલીસે પોતાની ઓળખ આપ્યા વગર ઉભો રાખ્યો હતો અને પૈસાનો વહીવટ કરવાની વાત કરી હતી. મારા થડામાં પડેલા 20 હજાર પણ લઈ ગયા હતા. જો કે આ પૈસા પાછા આપી દેવાની વાત કરી છે પરંતુ હજી સુધી મને પૈસા પાછા મળ્યા નથી. મારી પાસે સર્ટિફિકેટ હોવા છતાં મને હેરાન કરવામાં આવ્યો હોવાથી હું કોર્ટમાં માનહાનિનો દાવો કરતી ફરિયાદ દાખલ કરીશ.