16 વર્ષે લગ્ન, 7 દિવસમાં વિધવા બનીને જેલ ગઈ:ખુશી દુબેને કસ્ટડીમાં લોહીની ઊલટી થઈ, 30 મહિના સાસુ સાથે હતી કેદ

0
37

ખુશી દુબે…જેના પર 30 મહિના પહેલાં પોલીસ પર હુમલો, લૂંટ તેમજ પોલીસકર્મીની હત્યા સહિતની 16 ગંભીર કલમો લગાવવામાં આવી હતી. આ તમામ આરોપો એ પરિવારના ગુનાઓ માટે હતા, જ્યાં તે માત્ર 48 કલાક માટે ગઈ હતી. ખુશીની ધરપકડ પર સવાલો ઊઠતા રહ્યા, રાજનીતિ થતી રહી, પરંતુ હવે સમગ્ર ઘટનાને જાણ્યા અને સમજ્યા બાદ સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધા છે.

જેલમાંથી છૂટ્યા બાદ ભાસ્કરની ટીમ તેમને મળવા પહોંચી હતી. તેમણે તેમના જીવનનાં છેલ્લાં 3 વર્ષ વિશે અમારી સાથે વાત કરી. ખુશીએ અમને જે કહ્યું એના ત્રણ ભાગ છે. પહેલો, વિકાસ દુબેના ભત્રીજા અમર દુબે સાથેના તેના સંબંધોની કહાની. બીજો, બિકરુ ગામમાં એતે દિવસે શું થયું અને ત્રીજો, તેણે જેલમાં વિતાવેલા 30 મહિના અને તેને મળેલા જામીનની કહાની. ચાલો… આ તમામ વિગતને શરૂઆતથી જાણીએ….

પહેલો: લગ્ન થયા, એક હિસ્ટ્રીશીટર સાથે 48 કલાક વિતાવ્યા

તસવીર 29 જૂન 2020ની છે. આ દિવસે ખુશી અને અમર દુબેનાં લગ્ન થયાં હતાં. પાછળ ઊભીને આશાર્વાદ આપે છે તે વિકાસ દુબે છે

29 જૂન 2020, કાનપુરનો રતનપુર વિસ્તાર. રાતના લગભગ 10 વાગ્યા હતા. ડીજે પર જોર જોરથી ગીત વાગી રહ્યું હતું, ‘છોટે-છોટે ભૈયા કે બડે ભૈયા, આજ બનેંગે કિસી કે સૈયાં’. ખુશી દુબે લગ્નના લાલ રંગમાં આનંદથી નાચી રહી હતી. એ સમયે ખુશી સાડાસોળ વર્ષની હતી. આટલી નાની ઉંમરમાં લગ્ન કરવાના સવાલ પર ખુશીની બહેન કહે છે, “મારા પિતાનું નામ શ્યામલાલ છે. તે વાહનો પર લખવાનું અને પેઇન્ટ કરવાનું કામ કરે છે. એ સમયે તેમની તબિયત લથડવા લાગી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જાણવા મળ્યું કે તેમના ફેફસામાં સમસ્યા છે અને એનું ઓપરેશન કરવું પડશે. ખુશીના પિતાને હવે જિંદગી પર કોઈ ભરોસો નહોતો. ઘરમાં કમાણીનું બીજું કોઈ સાધન નહોતું. તેમને ખુશીની ચિંતા થવા લાગી. તેથી તેમણે નક્કી કર્યું કે તે ખુશીના લગ્ન કરાવશે. તેમણે વિચાર્યું કે ખુશીના લગ્ન સારા યુવક સાથે થશે તો તેનું જીવન સુધરશે. તેથી તેણે ખુશી માટે છોકરો શોધવાનું શરૂ કર્યું. ત્યારે જ એક પરિચિતે તેને વિકાસ દુબેને મળવાનું કહ્યું.

ખુશીનાં માતા-પિતા તેમની પુત્રીના લગ્નની આશા સાથે બિકરુ ગામ પહોંચ્યા. ત્યાં તે વિકાસને મળ્યા. તેની પુત્રીના લગ્ન કરાવવાની વાત કરી હતી. વિકાસ ખુશીના પિતાને ખાતરી આપે છે કે તે તેના લગ્ન કરાવશે. થોડા દિવસો વીતી ગયા, વિકાસ દુબેએ ખુશીના ઘરે ફોન કર્યો કે તે ખુશીના લગ્ન તેના ભત્રીજા અમર દુબે સાથે કરાવવા માગે છે. અમર અને ખુશી આખા પરિવાર સાથે મળે છે અને લગ્ન નક્કી થાય છે.

ખુશીના પરિવારજનો આ લગ્ન માટે થોડો સમય રાહ જોવા માગતા હતા, કારણ કે તેમને પૈસાની વ્યવસ્થા કરવાની હતી. પરંતુ વિકાસ દુબેએ વહેલામાં વહેલી તકે લગ્ન કરવાનું દબાણ કર્યું. તેણે પરિવારને કહ્યું કે તે પોતે લગ્નનો ખર્ચ ઉઠાવશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. માત્ર 15 દિવસ પછી ખુશીએ અમર દુબે સાથે લગ્ન કરી લીધા. લગ્ન કર્યા બાદ ખુશી બિકારુ ગામ અમરના ઘરે પહોંચી. બે દિવસ વીતી ગયા, ઘરમાં બધા ખુશ હતા. લગ્ન પછીની તમામ વિધિઓ થઈ રહી હતી. સગાંસંબંધીઓ ઉમળકાભેર મળવા આવતા હતા.

બીજો: લગ્નના બે દિવસ બાદ હાથમાં બંગડીની જગ્યાએ હાથકડી હતી

2 જુલાઇ 2020. રાતના લગભગ 9 વાગ્યા હતા. વિધિ આખો દિવસ ચાલતી હતી. ખુશી ખૂબ જ થાકી ગઈ હતી એટલે આરામ કરવા તેના રૂમમાં ગઈ. તેની આંખો સહેજ ખુલ્લી હતી કે બહારથી કેટલાક અવાજો આવ્યા. તેને લાગ્યું કે લગ્નની સીઝન ચાલી રહી છે, તેથી લોકો ફટાકડા ફોડતા જ હશે. ખુશી જણાવે છે કે મેં એ અવાજો થોડા સમય માટે સાંભળ્યા હતા, એ પછી હું થાકી ગઈ હતી અને સૂઈ ગઈ. હકીકતમાં એ રાત્રે લગભગ 12:45 વાગ્યે પોલીસની એક ટીમ ગેંગસ્ટર વિકાસ દુબેની શોધમાં બિકરુ ગામ પહોંચી હતી, પરંતુ વિકાસ અને તેના સાગરીતો ત્યાં પહેલેથી જ ટાંપીને બેઠા હતા અને પોલીસ પર ઓચિંતો હુમલો કરી ચૂક્યા હતા. ઘરમાં પોલીસને રોકવા માટે જેસીબી આડું રાખવામાં આવ્યું હતું. પોલીસ પહોંચતાંની સાથે જ ધાબા પર ચઢેલા બદમાશોએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. થોડી જ વારમાં સીઓ દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસકર્મી માર્યા ગયા. 3 જુલાઈ 2020. આ ઘટનાએ બિકરુ ગામ સહિત સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. પોલીસ પણ હવે એક્શનમાં આવી ગઈ હતી. સૌપ્રથમ પોલીસે વિકાસની ઘટનામાં સામેલ પ્રેમ કુમાર પાંડેનું એન્કાઉન્ટર કર્યું અને પછી અતુલ દુબેની હત્યા કરી. અહીંથી સતત એન્કાઉન્ટર શરૂ થઈ ગયા. થોડી જ વારમાં પોલીસે હમીરપુરમાં ખુશીના પતિ અમર દુબેનું એન્કાઉન્ટર કર્યું. અમર તેના કાકા વિકાસ દુબે સાથે આ સમગ્ર કૌભાંડમાં મોટો ભાગ હતો. આ પછી પોલીસે વિકાસ દુબેને પણ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો. એક તરફ એન્કાઉન્ટરો સતત થઈ રહ્યાં હતાં. બીજી તરફ 4 જુલાઈ 2020ના રોજ પોલીસ ખુશી દુબેના ઘરે પહોંચી હતી. તેને કહ્યું કે તેણે થોડી પૂછપરછ માટે પોલીસ સ્ટેશન આવવું પડશે. પોલીસ ખુશીને પોલીસ સ્ટેશન લઈ ગઈ. ખુશી કહે છે, “મારી સાથે આ પૂછપરછ 4 દિવસ સુધી ચાલી. આ 4 દિવસમાં મેં શું પસાર કર્યું એ યાદ કરીને હું હજી પણ કંપી ઊઠું છું. આ દરમિયાન મારી તબિયત પણ બગડી ગઈ અને મને લોહીની ઊલટીઓ થવા લાગી, મારા નાકમાંથી પણ લોહી નીકળવા લાગ્યું. પોલીસે ખુશીને કહ્યું કે તને જે ખબર છે એ કહી દે, પછી અમે જાતે જ તને ઘરે મૂકી દઈશું, પરંતુ 8 જુલાઈ, 2020ના રોજ ખુશીને ઘરે છોડવાને બદલે પોલીસે તેને જેલમાં મોકલી દીધી. પોલીસનો આરોપ છે કે જ્યારે અમર દુબે પોલીસકર્મીઓ પર ગોળીબાર કરી રહ્યો હતો ત્યારે ખુશી તેમને કારતૂસ આપી રહી હતી તેમજ ટોળકીને તેમના પર હુમલો કરવા ઉશ્કેરતી હતી. તે વિકાસ દુબેની ગેંગની મેમ્બર છે.

ત્રીજો : ગુનો પતિએ કર્યો અને સજા મને મળી, જેલમાં સાસુએ આપ્યું સાહસ

જેલમાં કેદ હોવા અંગે વાત કરતાં ખુશી કહે છે, “જ્યારે હું જેલમાં પહોંચી ત્યારે મને ખબર ન હતી કે હું કયા ગુનામાં ત્યાં બંધ હતી. મમ્મીની યાદ બહુ આવતી હતી. હું આખો દિવસ રડતી. મારા માથા અને પેટમાં ખૂબ દુખાવો થતો, પણ મને દવા આપવા માટે ત્યાં કોઈ નહોતું. કેટલાક દિવસો સુધી હું આમ જ મૌન બેસી રહી. તે પછી મારી મુલાકાત અમર દુબેની માતા એટલે કે મારી સાસુ સાથે થઈ. ખુશી કહે છે કે જેમ મારો કોઈ દોષ ન હતો એમ મારાં સાસુ અને સસરાએ પણ કંઈ ખોટું કર્યું નથી. સાસુ મારી સાથે જેલમાં હતાં. એ દિવસભર મારી સાથે વાતો કરતાં, મને હિંમત આપતાં. તેણે મને ખાતરી આપી કે એક દિવસ હું અહીંથી બહાર નીકળી જઈશ. એક બાજુ મારા સાસુ મારી સાથે હતાં અને બીજી બાજુ મારાં માતા-પિતા જામીન માટે બધે ધક્કા ખાઈ રહ્યા હતા. તેમણે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. લગભગ 95 તારીખ પર સુનાવણી થઈ. જ્યારે પણ મેં મારાં માતા-પિતા અને બહેનને સાંભળ્યા ત્યારે હું કંઈ બોલી શકતી નહોતી. બસ, તેને ભેટીને રડતી રહી. દરેક તારીખ પછી હું હિંમત હારવા લાગ્યો હતો, પરંતુ હજુ પણ મારા મનમાં એક આશા હતી કે જો હું ખોટી નથી તો મને ચોક્કસ ન્યાય મળશે. આખરે 30 મહિના પછી કોર્ટે મને જામીન આપ્યા, પણ મારી લડાઈ હજી પૂરી થઈ નથી. મારે હવે નિર્દોષ છૂટવાનું છે.

વકીલ બનીશ, જેથી મારા જેવા નિર્દોષને ન્યાય અપાવી શકું
જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જીવનમાં આગળ શું કરવું છે અને તેના સાસરે પાછું જવું કે નહીં, ખુશી કહે છે, “હું જાણું છું કે મારા સાસરિયાંએ કંઈ કર્યું નથી, કારણ કે એ દિવસે તેઓ મારી સાથે ઘરે હતાં. એટલા માટે હું ઇચ્છું છું કે તેમને વહેલી તકે જામીન મળે, પણ હવે હું ક્યારેય એ ઘરમાં પાછી જવા માગતી નથી.

તે વધુમાં કહે છે કે હવે હું મારાં માતા-પિતા સાથે રહીને અભ્યાસ કરવા માગું છું. આ બધું થયા પહેલાં તો મને બાયોલોજી પસંદ હતું અને હું ડૉક્ટર બનવા માગતી હતી, પરંતુ હવે હું વકીલ બનવા માગું છું. જેલમાં એવા ઘણા લોકો મળ્યા, જેઓ મારી જેમ બીજા કોઈએ કરેલા ગુના માટે સજા ભોગવી રહ્યા છે. હું વકીલ બનીને આવા લોકોને ન્યાય અપાવવા માગું છું.
ઘરની બહાર લાગેલા સીસીટીવી જોતાં લાગે છે કે હું હજુ પણ કેદ છું
ખુશી છૂટીને ઘરે પહોંચી ત્યારે તે જ રાત્રે તેના ઘરની આસપાસ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. આ અંગે તે કહે છે કે જ્યારે મેં કોઈ ગુનો કર્યો નથી તો મને ખબર નથી કે મારા પર કેમ નજર રાખવામાં આવી રહી છે. મારા ઘર પાસેના કેમેરા જોઈને એવું લાગે છે કે હું હજુ પણ ક્યાંક કેદ છું.