મોરબીમાં અપમૃત્યુના બે બનાવ:લીલાપર રોડ પર સાયકલ પરથી પડી જતા બાળકનું મોત, વાંકાનેરમાં ટ્રકની ઠોકરે બાઈકચાલક યુવાનનું મોત

0
36

મોરબી શહેરના લીલાપર રોડ પર 14 માસનું બાળક સાયકલ પરથી પડી જતા સારવાર અર્થે ખસેડાયું હતું. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બીજા બનાવમાં મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પરથી પસાર થતા બાઈકને ટ્રકચાલકે અડફેટે લેતા અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું મોત કરુણ મોત નીપજ્યું હતું.

સારવાર દરમિયાન બાળકનું મોત
બનાવની મળતી માહિતી મુજબ રાપર તાલુકાના કાનમેર ગામના રહેવાસી બાબુભાઈ ભરવાડનો 14 માસનો દીકરો ધવલ મોરબીના લીલાપર રોડ પર યદુનંદન ગૌશાળા મચ્છુ નદી પાસે સાયકલ પરથી પડી જતા ઈજા પહોંચી હતી. જેથી તેને રાધનપુર સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ટ્રક અડફેટે યુવાનનું કરુણ મોત
બીજા બનાવમાં મૂળ એમપીના વતની અને હાલ વાંકાનેરના ખખાણા ગામના રહેવાસી નાનાલાલ છગનલાલ ભુરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના સાલા વિષ્ણુ નંદુભાઈ કતીજા (ઉં.વ.19) વાળા પોતાનું બાઈક જીજે 36 ડી 0299 લઈને જતા હતા. ત્યારે હાઈવે પર નવાપરા નજીક ટ્રક જીજે 25 યુ 2845ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈક સહિત યુવાન ફંગોળાઈ જતા બાઈકસવાર વિષ્ણુ કતીજા નામના યુવાનનું મોત થયું હતું. વાંકાનેર સીટી પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.