વડોદરા શહેરના ફતેગંજ બ્રિજ પરથી નીચે પટકાતા ટુ-વ્હીલર ચાલક હર્ષ લિમ્બાચિયાનું મોત થયું છે. જ્યારે દેવલ સોલંકીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
સારવાર દરમિયાન હર્ષનું મોત
વડોદરા શહેરનો ફતેગંજ બ્રિજ લોકો માટે ઘાતક સાબિત થતો જોવા મળી રહ્યો છે. જેમાં ગઈકાલે રાત્રે વધુ એક વખત ફતેગંજ ઓવરબ્રિજ પર અકસ્માત થયો હતો. મોડી રાત્રે બે બાઈક સવારો બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે હર્ષ લીમ્બાચિયા(ઉ.35) અને દેવલ રાજેશ સોલંકી (ઉં.19) બ્રિજની દિવાલ સાથે અથડાતા બ્રિજની નીચે પટકાયા હતા. અકસ્માત થતાં ઘટના સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. ત્યાર બાદ બંન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બાઈક સવાર હર્ષ લીંબાચિયાનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.
વળાંકને કારણે બંન્ને યુવકો બ્રિજ પરથી નીચે પટકાયા
રાત્રિના 12 વાગ્યાની આસપાસ હર્ષ લીંબાચિયા અને દેવલ રાજેશ સોલંકી બાઈક લઈને ફતેગંજ સેવનસીઝ મોલ પાસે આવેલા બ્રિજની દિવાલ સાથે અથડાયા હતા. બ્રિજ પર આવેલા વળાંકને કારણે બંન્ને યુવકો નીચે પટકાયા હતા. જોકે, બાઈક બ્રિજ પર જ રહ્યું હતું. બ્રિજ પરથી નીચે પટકાતા બંન્ને યુવકોને નાક, કાન, અને આંખના ભાગે ગંભીર રીતે ઈજાઓ પહોંચતા સ્થાનિકો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપવામાં આવી રહી હતી.

પરિવાર શોકમાં ગરકાવ
અકસ્માતમાં બે બાઈક સવારો બ્રિજ પરથી નીચે પટકાતા તેઓને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરાયા હતા. જેમાંથી હર્ષ લીંબાચિંયા (ઉં.35)ને ગંભીર ઈજાઓ થઈ હોવાથી લગભગ રાતના 1 વાગ્યાની આસપાસ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ સયાજી પોલીસ દ્વારા હર્ષના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં બીજી તરફ પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પહેલા 31 ડિસેમ્બરની રાત્રે પણ ફતેગંજ બ્રિજ પરથી નીચે પટકાતા બે યુવાનના મોત થયા હતા. જેમાં ખાનગી કંપનીમાં નોકરી કરી બે યુવક હર્નિસ પ્રભાકરભાઇ જગતાપ (રહે. વિશ્વમૂર્તિ કોલોની, ખંડેરાવ માર્કેટ, વડોદરા) અને સુમિતકુમાર સરજીવનકુમાર (મૂળ રહે. માનેસર, પંજાબ) બાઇક પર પરત ફરી રહ્યા હતા.
દરમિયાન રાત્રે 1 વાગ્યે બંને પંડ્યા બ્રિજ તરફથી બાઇક લઈને ફતેગંજ બ્રિજ ચડ્યા હતા અને બાઇક બ્રિજની સુરક્ષા દિવાલ સાથે અથડાઈ હતી અને તેઓ બ્રિજ પરથી નીચે પટકાયા હતા. જ્યારે બાઇક બ્રિજ પર જ પડ્યું રહ્યું હતું. અકસ્માતને પગલે સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી અને બંનેને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.
