જરૂર પડશે તો આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ સાથે આંદોલન પણ કરવાની ચીમકી ઉચ્ચારી
ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના જિલ્લા પ્રમુખ કરશન બારડ અને તાલુકા પ્રમુખ હિરેન બામરોટિયાના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીને સંબોધીને પ્રાંત અધિકારી મારફત પેપરકાંડ બાબતે આવેદન આપવામાં આવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ભાજપ સરકારમાં વારંવાર પેપર ફૂટવાની હકીકત દર્શાવતું શ્વેતપત્ર રજુ કરવામાં આવે, પેપર ફૂટવા અંગેના કેસો માટે સ્પેશીયલ કોર્ટની રચના કરી એક વર્ષમાં ટ્રાયલ પૂરી કરવામાં આવે, ગુજરાત સરકારના વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓની ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવે, પ્રમાણિક – નિષ્ઠાવાન અધિકારીના વડપણ હેઠળ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવે, સ્પર્ધાત્મક પરીક્ષાની ફોર્મ ફી નાબુદ કરી અને પરીક્ષાના કોલ લેટરને રેલ્વે–બસમાં નિ:શુલ્ક પરિવહનનો પાસ ગણવામાં આવે, વિધાર્થીઓએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા માટે લાખો રૂપિયાની ફી ભરી ટયુશન ક્લાસ, મોટા શહેરોમાં રહેવા – જમવાના ખર્ચાઓ કરીને તૈયાર કરી હોઈ છે, ત્યારે પરીક્ષા રદ થતા મહિનાઓ સુધી પુનઃ ક્લાસ અને તૈયારી કરવા લાખો રૂપિયાના ખર્ચાઓ થાય છે તેથી પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને વ્યાજબી વળતર આપવામાં આવે અને પુનઃ પરીક્ષા ન લેવાય ત્યાં સુધી ઉમેદવારોને માસિક રૂપિયા 5000 ટયુશન ક્લાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના ખર્ચ પેટે ચુકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.ઉપરાંત યોગ્ય નહિ થાય તો વિદ્યાર્થીઓ સાથે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
અહેવાલ : પરાગ સંગતાણી, (ગીર-સોમનાથ)