પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થઈ શકે છે મોટો ઘટાડો:2 સંકેત અને 5 કારણથી જાણો… ક્યારે અને કેટલા ઘટશે ભાવ?

0
263

મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકાર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ છૂટ આપી શકે છે. 15 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત રોઇટર્સના અહેવાલમાં આ દાવો કરવામાં આવ્યો છે. કરમુક્તિ આપવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે.

સંકેત-1: રોઇટર્સનો અહેવાલ
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાનો પહેલો સંકેત રોઇટર્સનો અહેવાલ છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકાર ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડી શકે છે. ભૂતકાળમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે આરબીઆઈએ કેન્દ્ર સરકારને આ સલાહ આપી છે.

જોકે ફેબ્રુઆરી મહિના માટે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ જાહેર થયા બાદ જ પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે જો કોઈ કપાત થશે તો એ આવતા મહિને જ થશે.

રિપોર્ટમાં કેન્દ્રીય બેંક અને સરકારના નજીકનાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે દૂધ, મકાઈ, સોયા ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પર આયાત ડ્યૂટીમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.

સંકેત-2: સરકારે વિન્ડફોલ ટેક્સ ઘટાડ્યો
16 ફેબ્રુઆરી 2023ના રોજ કેન્દ્ર સરકારે ઓઈલ કંપનીઓ પાસેથી વસૂલવામાં આવતા વધારાના વિન્ડફોલ ટેક્સ ઘટાડવાનો નિર્ણય લીધો છે. અત્યારસુધીમાં પ્રતિ લિટર ડીઝલ પર કંપનીઓ રૂ. 7.50 વિન્ડફોલ ટેક્સ ચૂકવતી હતી, પરંતુ હવે માત્ર 2.50 રૂપિયા જ ચૂકવવા પડશે. આમ, ક્રૂડ ઓઈલ પર પ્રતિ ટન વિન્ડફોલ ટેક્સ 5,050 રૂપિયાથી ઘટાડીને 4,350 રૂપિયા રહેશે.

ઊર્જા નિષ્ણાત નરેન્દ્ર તનેજા કહે છે કે દેશમાં ઓઈલ ઉત્પાદક કંપનીઓ પાસેથી વિન્ડફોલ ટેક્સ લેવામાં આવે છે. જો ઓઈલ કંપનીઓનો નફો વધે તો આ નફા પર આ ટેક્સ સરકાર દ્વારા લાદવામાં આવ્યો હતો. હવે સરકાર ધીમે ધીમે એનો અંત લાવી રહી છે. આવી સ્થિતિમાં આ યોગ્ય સમય છે, જ્યારે ઓઈલ કંપનીઓ ડીઝલની કિંમતમાં ઘટાડો કરી શકે છે.

એનર્જી એક્સપર્ટ નરેન્દ્ર તનેજાનું કહેવું છે કે અત્યારે સરકાર ઓઈલના ભાવમાં પ્રતિ લિટર 2થી 3 રૂપિયા સરળતાથી ઘટાડો કરી શકે છે. ન તો સરકાર કે ન ઓઈલ કંપનીઓને વધુ નુકસાન થશે, સાથે જ કેટલાંક સ્વતંત્ર સૂત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ.7નો ઘટાડો થવાની શક્યતા દર્શાવી રહ્યાં છે. એની પાછળનાં 4 મોટાં કારણ જણાવ્યા છે…

કારણ-1: મોંઘવારી ઘટાડવાનું દબાણ
જાન્યુઆરી 2023માં છૂટક ફુગાવાનો દર 6.52% પર પહોંચ્યો હતો. ઓક્ટોબર પછીના ત્રણ મહિનામાં આ સૌથી વધુ છે. આરબીઆઈએ આ મહિને રિટેલ ફુગાવો વધારીને 6% રહેવાની શક્યતા વ્યક્ત કરી હતી, પરંતુ આ મર્યાદા તૂટી ગઈ હતી.

આ પછી મોંઘવારી પર તાત્કાલિક નિયંત્રણ કરવા માટે રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને ઓઈલ પરની એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાની સલાહ આપી છે. નરેન્દ્ર તનેજાનું માનવું છે કે કેન્દ્ર અને જો રાજ્ય ઈચ્છે તો થોડાક રૂપિયા એક્સાઈઝ અને વેટ ટેક્સમાંથી સરળતાથી મુક્તિ આપી શકાય છે.

કારણ-2: ભારતીય કંપનીઓ રશિયા પાસેથી સસ્તું ઓઈલ ખરીદે છે
ડિસેમ્બર 2022માં ભારતીય ઓઈલ કંપનીઓએ રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઈલ ખરીદ્યું છે. અગાઉ ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ સૌથી વધુ ઓઈલ રશિયાથી ભારતમાં આવ્યું હતું. એનર્જી કાર્ગો ટ્રેકર વોર્ટેક્સા અનુસાર, ભારતે ડિસેમ્બરમાં રશિયા પાસેથી દરરોજ સરેરાશ 1.19 મિલિયન બેરલ ક્રૂડ ઓઈલ ખરીદ્યું હતું. આના એક વર્ષ પહેલાં ડિસેમ્બર 2021માં ભારત રશિયા પાસેથી દરરોજ માત્ર 36,255 બેરલ ઓઈલ ખરીદતું હતું, એટલે કે રશિયા પાસેથી ઓઈલની ખરીદી એક વર્ષમાં લગભગ 32 ગણી વધી છે.

ભારત હવે એની જરૂરિયાતના 25% ઓઈલ રશિયા પાસેથી આયાત કરે છે. માર્ચ 2022 સુધી ભારત રશિયા પાસેથી એની જરૂરિયાતનો ખૂબ જ નાનો ભાગ ખરીદતું હતું, પરંતુ એપ્રિલથી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ઓક્ટોબરમાં રશિયાએ ભારતને ઓઈલ વેચવાના મામલે ઈરાક અને સાઉદી અરેબિયાને પાછળ છોડી દીધા હતા.

ડિસેમ્બર 2022માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા ઓઈલની કિંમત બેરલદીઠ $ 70 હતી. એ જ સમયે ફાઇનાન્શિયલ ટાઇમ્સે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે રશિયા લગભગ $ 60 પ્રતિ બેરલ ઓઈલનું વેચાણ ભારતને કરે છે.

કારણ-3: ઓઈલ કંપનીઓની ખોટ પૂરી થઈ
આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝના 6 જાન્યુઆરી, 2023ના રિપોર્ટ અનુસાર, હાલમાં ઓઈલ કંપનીઓ પ્રતિ લિટર પેટ્રોલ પર 10 રૂપિયાનો નફો કમાઈ રહી છે. જ્યારે ડીઝલના વેચાણ પર
કંપનીઓને પ્રતિ લિટર 6.5 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જોકે આ સમયગાળા દરમિયાન કાચા ઓઈલની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્ચ 2022માં ક્રૂડ ઓઈલની કિંમત 140 ડોલર પ્રતિ બેરલ હતી, જ્યારે 17 ફેબ્રુઆરી 2023 એટલે કે શુક્રવારે ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 76 ડોલર હતી.

જો જોવામાં આવે તો ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન એટલે કે IOCL, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCL અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે HPCL પાસે છેલ્લા 16 મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નથી.

ઊર્જા નિષ્ણાત નરેન્દ્ર તનેજાએ જણાવ્યું હતું કે પેટ્રોલ ઉપરાંત હવે ઓઈલ કંપનીઓ ડીઝલ પર પણ નફો કમાઈ રહી છે. આ જ કારણ છે કે ઓઈલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલના ભાવ ચૂકવવા પડે છે. ભાવ ઘટાડવાનું ઘણું દબાણ છે. આવી સ્થિતિમાં ઓઈલની કિંમત ઘટાડવાનો આ શ્રેષ્ઠ સમય છે.

કારણ-4: ચૂંટણીનું વર્ષ છે, 10 રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી છે
2023માં 10 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટણી યોજાવાની છે. પૂર્વોત્તરનાં ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ફેબ્રુઆરી અને માર્ચમાં ચૂંટણી યોજાઈ રહી છે. એ જ સમયે દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યમાં એપ્રિલ-મેમાં વિધાનસભાની ચૂંટણી થવાની સંભાવના છે. વર્ષના અંતે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પણ ચૂંટણી થઈ શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીને મતદારોને રાહત આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

નિષ્ણાતોના મતે અત્યારસુધી ઓઈલ કંપનીઓ ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ મોંઘા થવાને કારણે પેટ્રોલ અને ડીઝલ બંનેના વેચાણ પર જ નુકસાન દર્શાવી રહી હતી, પરંતુ હવે કંપનીઓને પેટ્રોલ પર લગભગ 10 રૂપિયા પ્રતિ લિટરનો સરપ્લસ મળી રહ્યો છે. આ કારણે કંપનીઓ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનું દબાણ સામાન્ય માણસ માટે પણ વધી ગયું છે. આવી સ્થિતિમાં પેટ્રોલના ભાવમાં ઘટાડો થઈ શકે છે.

હવે ગ્રાફિક્સમાં જુઓ કે કેવી રીતે પેટ્રોલ-ડીઝલથી 8 વર્ષમાં કેન્દ્રની કમાણી 2.48 લાખ કરોડ રૂપિયા વધી છે અને રાજ્યોની આવક 1.19 લાખ કરોડ રૂપિયા વધી છે.