હવે ગોબર અને પંચામૃતમાંથી બનશે ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ

0
221

સખી મંડળની બહેનોને મળ્યો રોજગારીનો નવો વિકલ્પ

ભારતીય સંસ્કૃતિમાં ગાયના છાણ અને ગૌમૂત્રનું ધાર્મિક અને આયુર્વેદિક  દ્રષ્ટિએ અનેરું મહત્વ છે. આ ઉપરાંત ગાયનું દૂધ અને અન્ય તેની પ્રોડક્ટ પણ ખુબ જ ગુણકારી છે. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એન.આર.એલ.એમ.) દ્વારા ગ્રામીણ મહિલાઓને રોજગારી મળી રહે અને આત્મનિર્ભર બને તે માટે વિવિધ યોજનાકીય સહાય પુરી પાડવામાં આવે છે. સખીમંડળની બહેનો દ્વારા તૈયાર થતા માલને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે માટે વિવિધ મેળાઓ પણ યોજવામાં આવે છે.

આગામી ગણેશ ચતુર્થીના પાવન પર્વને અનુલક્ષીને સખી મંડળની બહેનો દ્વારા ગોબર અને પંચામૃતમાંથી ગણેશની મૂર્તિ બનવવાના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. રાજકોટના લોધીકા તાલુકાના ઢોલરા ગામની શ્રી હરિ સખી મંડળ અને શ્રીજી સખી મંડળની એક ડઝન બહેનોએ મૂર્તિ બનાવવાની શરુઆત કરી છે. આ બહેનોને રાષ્ટ્રીયગૌસેવા આયોગના ચેરમેન ડો.વલ્લભભાઈ કથીરિયા અને તેમની ટીમ દ્વારાઓનલાઈન ટ્રેનિંગ પુરી પાડવામાં આવી હોવાનું ડી.આર.ડી.એ. વિભાગના વીરેન્દ્રભાઈ બસિયાએ જણાવ્યું છે.

આ મૂર્તિ કેવી રીતે બને તે વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, ગાયના છાણને થાપી તેને સુકવી દેવામાં આવે છે, ત્યારબાદ તેને દળીને તેનો પાવડર બનાવવામાં આવે છે. આ પાવડરમાં ગમગુવાર પાવડર, મુલતાની માટી તેમજ ગૌમૂત્ર, દૂધ, દહીં ભેળવી તેને ખાસ ડાઇમાં મૂકીને મૂર્તિ તૈયાર કરવામાં આવે છે.

આ મૂર્તિને ત્રણ-ચાર દિવસ માટે સુકવી ત્યારબાદ તેના પર વિવિધ કલરકામ કરવામાં આવે છે. આમ એક પવિત્ર ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું નિર્માણ થાય છે. પ્રારંભે તેની કિંમત આશરે ૫૦૦ રૂ. જેટલી છે, પરંતુ જેમ ઉત્પાદન વધશે તેમ તેની કિંમતમાં ઘટાડો થશે. મૂર્તિ ઉપરાંત શો-પીસનું પણ ઉત્પાદન કરવામાં આવશે. આવનારા સમયમાં મૂર્તિ તેમજ અન્ય વસ્તુઓનું ઉત્પાદન તમામ તાલુકાની સખી મંડળની બહેનો દ્વારા કરવામાં આવશે. આ વસ્તુઓનું વિવિધ સ્થળો, મેળા તેમજ ઓનલાઇન વેચાણ કરવામાં આવશે, તેમ બસિયાએ જણાવ્યું છે. ગાયના છાણનો ખાતર, જીવામૃત અને ધૂપમાં ઉપયોગ થાય છે. હવે તેમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓના નિર્માણનો ઉમેરો થયો છે. આવનારા સમયમાં અગરબત્તી, ધૂપ સહીત ઘણી બધી વસ્તુઓ તૈયાર કરી ગ્રામીણ મહિલાઓ આત્મનિર્ભર બનશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here