ડોક્ટર યોગિતા ગૌતમ મંગળવારથી ગુમ હતી. તેની લાશ બુધવારે સવારે આગરામાં ડૌકી વિસ્તારમાં એક ખેતરમાંથી મળી આવી હતી(ફાઈલ તસવીર)
- ડોક્ટર યોગિતા ગૌતમ એસએન મેડિકલ કોલેજમાં ગાયનેક વિભાગમાં PGની વિદ્યાર્થિની હતી
- આરોપી ડોક્ટર વિવેક તીર્થકર મેડિકલ કોલેજમાં યોગિતાનો સીનિયર હતો, અહીંયા જ બન્નેની મુલાકાત થઈ હતી
ઉત્તરપ્રદેશના આગરામાં 26 વર્ષની ડોક્ટર યોગિતા ગૌતમની હત્યાના કેસમાં તેમના મિત્ર ડો. વિવેક તિવારીની ધરપકડ કરી લેવાઈ છે. વિવેકે પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે. તેને જણાવ્યું કે, તે યોગિતા સાથે લગ્ન કરવા માંગતો હતો, પણ યોગિતાએ ના પાડી દીધી હતી.
ડો. વિવેકે પૂછપરછમાં જણાવ્યું કે, મંગળવાર સાંજે હું જાલૌનથી યોગિતાને મળવા માટે આગરા આવ્યો હતો. યોગિતા ગાડીમાં બેસી ત્યારે તેની સાથે ચર્ચા શરૂ થઈ ગઈ. વાત એટલી આગળ વધી ગઈ કે મેં ગુસ્સામાં તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી. મને લાગ્યું કે, એ મરી નથી. હું મારી ગાડીમાં છરી રાખું છું. એ જ છરી વડે યોગિતાના માથા અને ચહેરા પર ઘા કર્યા. પછી સુમસાન જગ્યાએ લાશને ફેંકી દીધી. પોલીસે જણાવ્યું કે, બન્ને 7 વર્ષથી રિલેશનમાં હતા.

બમરૌલી ગામ પાસે ડોક્ટરની લાશ મળી હતી
યોગિતાની લાશ બુધવારે આગરાના ડૌકી વિસ્તારમાં બમરૌલી ગામ પાસે ખેતરમાં મળી હતી. તેના માથા અને ચહેરાના ભાગે છરી વડે ઘા કરાયા હતા. યોગિતાએ લોઅર-ટીશર્ટ પહેર્યું હતું. સ્પોર્ટ્સ શુઝ પાસે પડ્યા હતા. તપાસમાં ખિસ્સામાંથી કોઈ ઓળખપત્ર અથવા અન્ય દસ્તાવેજ નથી મળ્યા. મોબાઈલ પણ ગુમ હતો. સાંજે લાશની ઓળખ SN મેડિકલ કોલેજમાં ગાયનેક વિભાગમાં પીજીની વિદ્યાર્થિની ડોક્ટર યોગિતા ગૌતમ તરીકે થઈ હતી. યોગિતા મંગળવારે સાંજથી ગુમ હતી.

આરોપી ડોક્ટર વિવેકની બુધવારે રાતે પોલીસે વિવેકની ધરપકડ કરી હતી.
ડો. વિવેક લગ્ન માટે દબાણ કરી રહ્યો હતો
બહેનની લાશ મળ્યા પછી યોગિતાના ભાઈ ડોક્ટર મોહિંદરને ડો.વિવેક તિવારી પર શંકા હતી. તેમણે પોલીસને જણાવ્યું કે, વિવેક સતત યોગિતા પર લગ્ન માટે દબાણ કરતો હતો.યોગિતા તેની સાથે લગ્ન કરવા નહોતી માંગતી. આ વાત માટે જ વિવેકે યોગિતાની હત્યા કરી છે.
યોગિતા દિલ્હીની રહેવાસી હતી
ડોક્ટર યોગિતા દિલ્હીના શિવપુરી કોલોની પાર્ટ-2માં રહેતી હતી. તેમણે 2009માં મુરાદાબાદમાં તીર્થકર મેડિકલ કોલેજથી MBBS કર્યું હતું. 3 વર્ષ પહેલા SN મેડિકલ કોલેજમાં પીજીમાં એડમિશન લીધું હતું. તે આગરામાં પોલીસ સ્ટેશન એમએમ ગેટના નૂરી દરાવાજામાં ભાડે રહેતી હતી. ડોક્ટર યોગિતાએ કોવિડ-19થી પીડિત દર્દીઓની સારવાર કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. આરોપી ડોક્ટર વિવેક તીર્થકર કોલેજમાં યોગિતાથી એક વર્ષ સીનિયર હતો. ત્યારે તેની મુલાકાત થઈ હતી.

પોલીસે યોગિતાની હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરીને પણ જપ્ત કરી
SSP આગરા બબલૂ કુમારે જણાવ્યું કે, ડો. વિવેક સાથે પૂછપરછ કરાઈ રહી છે. ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી ગાડી અને હથિયાર જપ્ત કરી લેવાયા છે.