લે આલે!! : નાના ધંધાઓ પર તરાપ મારતું રાજકોટનું તંત્ર “મહાકાય હોટલો” પાસે ઘુંટણીયે કેમ??

0
402

રાજકોટ તા.8: રાજકોટમાં કોરોનાને કારણે 21 દિવસનું લોકડાઉન છે. આજે 14 માં દિવસ થયા છે ત્યારે રાજકોટમાં અનેક નામાંકિત હોટેલોએ બંધ બારણે રસોડા ચાલુ કરી હોમ ડિલિવરી શરૂ કરી દીધી છે.

ગાંધીનગર જ નહીં પણ દિલ્હી સુધીની વગ ધરાવતા ઇમ્પિરિયલ હોટલના માલિક તેમજ જ્યુબિલી પાસે આવેલી ગ્રાન્ડ ઠાકર હોટલ ઉપર મહાપાલિકાના ચાર હાથ હોય તેમને હોટલ ચાલુ રાખવા માટે છુપો છુટ્ટો દોર આપી દેવામા આવ્યો છે. રાજકોટ લોકડાઉન થયુ ત્યારથી જ હોટલ-રેસ્ટોરેન્ટ કે ખાણીપીણીની દુકાનો-ઢાબા ચાલુ રાખવા ઉપર પ્રતિબંધ મુકાયો હોવા છતા ઇમ્પિરિયલ હોટલ અને ગ્રાન્ડ ઠાકરના રસોડા ધમધમી રહ્યા છે. ત્યા બેસીને જમવામાં રંગે હાથ પકડાય જાય તેમ હોય ગ્રાહકોને પાર્સલ સેવા શરૂ કરી દીધી છે.

આ અંગે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલને પુછવામા આવતા તેમણે જાણે બચાવપક્ષના વકિલની ભૂમિકા ભજવતા હોય તેમ એવુ કહ્યુ હતુ કે, ઇમ્પિરિયલ હોટલમાં કોઇ ગેસ્ટ રોકાયુ હોય તો તેમના પુરતી જ રસોઇ કરવાની છુટ અપાઇ છે. જો કે અહીં તો ઉક્ત બન્ને હોટલમાં બહારના લોકોને પાર્સલ સેવા અપાતી હોવાનું પુરાવા સાથે બહાર આવ્યુ છે ત્યાંરે મ્યુનિ. કમિશનર પગલા લેશે કે પછી હજુ બચાવપક્ષના વકિલની જ ભૂમિકા ભજવતા રહેશે એ જોવાનું રહ્યુ.

ગ્રાહક જમવાનું ન મંગાવે: આ રહ્યા કારણો

  • કિચનના સ્ટાફની આરોગ્ય ચકાસણી કરાવાય છે કે નહીં? એ કોઇ જાણતું નથી.
  • ઘરે પાર્સલ દેવા આવનાર કેરિયર અજાણ્યા હોય છે.
  • જો લોકો જાગૃત બનશે તો જ કોરોના ભાગશે.

આ બે હોટલને મંજૂરી કોને આપી?

વિશ્વ આખાને ઘૂંટણિયે કરી દેનાર કોરોના વાયરસની સંક્રમણને અટકાવવા ભારત દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરી દેખાયું છે. જીવન જરૂરીયાતની ચીજવસ્તુ સિવાય તમામ ધંધા ઉદ્યોગ જડબેસલાક બંધ છે. આ સ્થિતિમાં રાજકોટના બે વર્ગદાર હોટલ સંચાલક માત્ર પૈસા ખાતર ઘેર બેઠા કોરોના વાયરસનો ચેપ લાગે તેવું કૃત્ય કરી રહ્યા છે. ચોંકાવનારી વિગતો સામે આવી છે! જી. હા. હોટલ ઇમ્પીરીયલ અને ધી ગ્રાન્ડ ઠાકરના સંચાલકો પોતાના માનીતા ગ્રાહકો માટે એ ગુજરાતી- પંજાબી વાનગીઓને ‘પાર્સલ’ સેવા ચાલુ રાખી છે.! આ કોઇ મનધડત વાત નથી પરંતુ તેના લેખીત અને બોલતા પુરાવા પણ સામે આવ્યા છે. જોકે લોકડાઉનના કડક અમલના બણગા ફૂંકતા સતાધિશો આવા વર્ગદાર સામે નતમસ્તક હોય તેમ કાર્યવાહી કરવાના બદલે માત્ર ‘ધંધા’ બંધ કરી દેવાની સુચના આપી કામગીરીનો સંતોષ માની રહ્યા છે. રાજકોટમાં ચા-પાનના ગલ્લાથી લઇને તમામ હોટલ, રેસ્ટોરન્ટ બંધ છે. છતાં એક પરિવારે હોટલ ઇમ્પીરીયા માંથી 5 એપ્રિલે નાન-કુલ્ચા અને પંજાબી શબ્જીનો ઓર્ડર કરી પાર્સલ મેળવવાના બિલ સામે પુરાવા જાહેર થયા છે. એ જ રીતે ધી ગ્રાન્ડ ઠાકર હોટેલના લેન્ડ લાઇન ઉપર ગ્રાહકો ફોન કરતા ઓપરેટર રૂા. 250માં એક થાળી લેખે જે ઓર્ડર હોય અને ઘેર બેઠા પાર્સલ મળી જશે તેમણે જવાબ આપી ઓર્ડર લખાવવા કહ્યું હતું.

તો લોકડાઉન છતાં કોરોના વાઇરસ સંક્રમણ નહીં અટકે

રાજકોટની જે બે હોટલમાં ગ્રાહકો માટે ફ્રૂડ પાર્સલ સેવા ઉપલબ્ધ છે. એ બન્ને હોટલ રાજકોટવાસીઓ માટે ગંભીર બિમારી નોતરી શકે છે. એક તરફ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકોને ઘર બહાર નિકળવાની મનાઇ છે. આ સંજોગોમાં હોટલમાં રસોડાના સ્ટાફની તમામ વ્યક્તિ નિરોગી છે. એ કઇ રીતે માની શકાય. શાક સમારતા, લોટ બાંધવાવાળા, અને કૂક તેમજ છેલ્લે ઘરે પાર્સલ પહોંચાડતા સ્ટાફતની આરોગ્ય ચકાસણી કરાવવામાં આવી છે નહીં એ તો તંત્ર જાણે પરંતુ આમાંથી એકપણ વ્યક્તિ કોરોનાગ્રસ્ત લક્ષણ ધરાવતો હશે તો ‘લોકલ ટ્રાન્સમીશન’ને કોઇ અટકાવી નહીં શકે.

જિલ્લા પંચાયત, પોસ્ટ ઓફિસની કેન્ટિનમાં ચાનું ખુલ્લેઆમ વેચાણ

દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર થયા પછી
પણ રાજકોટમાં લાગવગ ધરાવતી હોટલો અંદર ખાને ધમધમી રહી છે જે બંધ
કરાવવામાં જાણે તંત્રને પણ
રસ ના હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સરકારી મિલકત ગણાતી હેડ પોસ્ટ ઓફિસ અને જિલ્લા પંચાયત કચેરીમાં પણ કેન્ટીન સતત ચાલુ જ હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે આ બંને જગ્યાએ રાબેતા મુજબ ભોજન-ચા-નાસ્તો પીરસાઈ રહ્યો છે અને લોકોની ભીડ પણ જામતી હોય છે જે તંત્રના ધ્યાને આવે અને કાર્યવાહી કરવામાં આવે તો સારું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here