ભાવનગર જિલ્લામાં ધોરણ-૧૦ (SSC) અને ધોરણ- ૧૨ (HSC) ની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ

0
86

કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને કુમ કુમ તિલક કરી ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યાં

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી ધોરણ- ૧૦ (SSC) અને ધોરણ-૧૨ (HSC) ની બોર્ડની પરીક્ષાઓનો આજથી ભાવનગર જિલ્લામાં શાતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે.

જિલ્લા કલેક્ટરશ્રી ડી. કે. પારેખે આજે સવારે બોર્ડની પરીક્ષાઓના પ્રારંભે બી.એમ. કોમર્સ હાઇસ્કૂલ ઘોઘા સર્કલ ખાતે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતાં.

કલેક્ટરશ્રીએ શાળામાં ઉપલબ્ધ સુવિધાઓ ચકાસી તંત્રની તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત તેમણે હાજર અધિકારીઓને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.

વહિવટી તંત્ર દ્વારા લાયઝન અધિકારીઓ સહિતની વ્યવસ્થાઓ પરીક્ષા માટે ગોઠવવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં આ પરીક્ષા સંચાલનની કામગીરી ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને કોઇ પણ પ્રકારની સમસ્યા ન ઉદભવે તેની પૂરતી કાળજી અને તકેદારી રાખવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં સારો દેખાવ કરે અને શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરીક્ષા આપે તેવી શુભેચ્છા પણ તેમને આપી હતી.

તેમણે તંત્ર દ્વારા બેઠક વ્યવસ્થા, પાણી, હેલ્પ માટે કંન્ટ્રોલ રૂમની વ્યવસ્થા તથા આરોગ્યલક્ષી પગલાં સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સંવેદનશીલ જણાય તેવાં કેન્દ્રો પર વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓની પણ નિમણૂંક કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું.

કલેક્ટરશ્રી સાથે શાળા સંચાલક મંડળ અને શાળાગણે ઉજ્જવળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ એવી પરીક્ષાનાં પ્રારંભે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં શાંતિથી પરીક્ષા આપી શકે તે માટે કુમ કુમ તિલક કરીને શુભકામનાઓ પાઠવી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.

અહેવાલ : કૌશિક વાજા (ભાવનગર)