ગુજરાતમાં કૃષિક્ષેત્રે આવેલ નવા પરિવર્તનો, નવી ખેતી પદ્ધતિઓ સહિતના મુદાઓ ઉપર ચર્ચા થઈ
આજરોજ ભારત સરકારના કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષ સ્થાને એગ્રીકલ્ચર રિફોર્મ અને એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની બેઠક યોજાઇ હતી. જેમાં જામનગર કલેકટર કચેરી ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના કૃષિમંત્રી આર.સી.ફળદુ જોડાયા હતા.
આ બેઠકમાં મંત્રીએ ગુજરાતમાં કૃષિક્ષેત્રે આવેલ નવા પરિવર્તનો, નવી ખેતી પદ્ધતિઓ તેમજ કૃષિ આંતરમાળખાકીય વ્યવસ્થાઓના વધુ વિકાસાર્થે આવશ્યક બાબતો પર ચર્ચા કરી હતી. ભારત સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત આત્મનિર્ભર કૃષિ પેકેજ જાહેર કરાયું છે, તેના દ્વારા કૃષિ જણસોના સંગ્રહ, પ્રોસેસ તેમજ વેચાણ માટેના આંતરમાળખાનો વિકાસ કરી શકાય તે માટે ભારત સરકાર દ્વારા ગુજરાતને ૭,૨૮૨ કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં આ વર્ષમાં ૨,૯૧૨ કરોડ ફાળવી એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદ્રઢ અને વધુ વ્યાપક બનાવવા માટેની કામગીરી કરવામાં આવશે.
મંત્રી આર.સી.ફળદુએ કહ્યુ હતું કે, ગુજરાતમાં નાબાર્ડ અંતર્ગત ૧૫૧ એફ.બી.ઓ. રજીસ્ટર્ડ છે જેમને આ પેકેજ અંતર્ગત ખૂબ લાભ થશે, સાથે જ ગુજરાતમાં ડેરી ઉત્પાદનો ક્ષેત્રે અનેક સહકારી સંસ્થાઓ ખૂબ જ ઉમદા કાર્ય કરી રહી છે, તો ખેતીને લગત ગુજરાતમાં ૮૦ હજાર જેટલી સેવા મંડળીઓ કાર્યરત છે તેઓ પણ આ પેકેજ અંતર્ગત કૃષિ ક્ષેત્રમાં નવા પ્રાણ પૂરવા માટે સજ્જ થઈ કામ કરી શકશે.
આ પેકેજ દ્વારા ગુજરાતમાં કૃષિ ઉત્પાદનોને સંગ્રહ કરવા વધુ ગોડાઉન બને અને કૃષિ ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી ખેડૂતોની આવક વધારી શકાશે અને કૃષિ ક્ષેત્રમાં નવા ઉત્તમ પરિવર્તનો આવશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ બેઠકમાં મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડના મુખ્યમંત્રીઓ તેમજ અન્ય રાજ્યોના કૃષિમંત્રીઓ, અન્ય પદાધિકારીઓ અને કૃષિ અધિકારીઓ વગેરે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ :-સાગર સંઘાણી ,જામનગર