આવકવેરા વિભાગમાં ‘ફેશલેસ’ પઘ્ધતિની અમલવારી કરદાતાઓની ‘ગેરરીતિ’ અટકાવશે

0
207

સીબીડીટી દ્વારા કરવામાં આવેલા સુધારા બાદ હવે તમામ મોટા કેસોનું એસેસમેન્ટ નાણાકીય વર્ષના પ્રારંભથી જ શરૂ કરી દેવાશે

કેન્દ્ર સરકારનાં નાણા મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા આવકવેરા વિભાગમાં અનેકવિધ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં બોર્ડ હવે ફેસલેસ અસેસમેન્ટ તરફ આગળ વધશે. સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આવકવેરા વિભાગમાં ફેસલેસ પઘ્ધતિની અમલવારી થકી જે કરદાતાઓ ગેરરીતિ આચરતા હતા તેને પણ અટકાવવામાં આવશે. નવા નિયમો થકી હવે કરદાતાઓની તમામ માહિતીઓને ડિજિટલાઈઝ પણ કરશે. કરદાતાઓ દ્વારા અનેકવિધ રીતે આવકવેરા વિભાગનાં નિયમોનો ઉલાળીયો કરવામાં આવતો હતો જે હવે સહેજ પણ શકય નહીં બને. બીજી તરફ નવા ફેરફારો થકી વિભાગની કામગીરીમાં પણ સરળતા જોવા મળશે કારણકે જે મોટા કેસો જોવા મળતા હતા તેનું અસેસમેન્ટ નાણાકિય વર્ષનાં અંતમાં જ શરૂ થતું હતું જેથી કેસોની પેન્ડેન્સીમાં ઘણો વધારો થતો હતો પરંતુ બોર્ડની નવી ગાઈડલાઈન મુજબ આ તમામ મોટા કેસોનું અસેસમેન્ટ અને તેની સ્ક્રુટીની નાણાકિય વર્ષના પ્રારંભમાં જ શરૂ કરવામાં આવશે.

ફેસલેસ અસેસમેન્ટનાં આવવાથી કરદાતાઓ તેમના કરની યોગ્ય રકમની ભરપાઈ ન કરતા હોવાનું પણ સામે આવ્યું છે. આ પૂર્વે કરદાતાઓ આવકવેરા વિભાગનાં અધિકારીઓ સાથે મુલાકાત કરી તેની તમામ માહિતીઓ અને કેવી રીતે કેસનો નિકાલ કરવો તે અંગે માહિતી એકત્રિત કરતા હતા અને આગળની કામગીરી પણ હાથ ધરવામાં આવતી હતી પરંતુ ફેસલેસ સિસ્ટમ અમલી બનતાની સાથે જ હવે કરદાતાઓનો સંપર્ક અધિકારીઓ સાથે નહિવત રહેશે. રીઝનલ ઈ-અસેસમેેન્ટનાં સેન્ટરનાં ચીફ કમિશનર ઓફ ઈન્કમટેકસ સ્મિતા જીંગરાને વેબીનારમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, કરદાતાઓ અનેકવિધ નીતિ-નિયમોનો ઉલાળીયો કરતા હતા અને જે સુચનો અથવા તો નોટીસો પાઠવવામાં આવતી હતી તેનો યોગ્ય સમયે કોઈ જવાબ ન આપતા વિભાગની કામગીરીમાં અડચણ ઉભી થતી હતી પરંતુ હવે આ ભુતકાળ બની જશે. નવી પઘ્ધતિ મુજબ હવે કરદાતાઓને જે પેનલ્ટી લગાડવામાં આવશે તે નેશનલ ઈ-અસેસમેન્ટ સેન્ટર દ્વારા જ જાહેર કરાશે અને તેને નોટીસ પાઠવાશે જેના કારણોસર કરદાતાઓ અધિકારીઓના સીધા સંપર્કમાં નહીં આવી શકે અને જે પ્રશ્ર્ન ઉદભવિત થતા હતા તેના પર પૂર્ણવિરામ પણ મુકવામાં આવશે.

આવકવેરા વિભાગ દ્વારા જે-તે વોર્ડનાં ઈન્કમટેકસ ઈન્સ્પેકટર અથવા તો ઈન્કમટેકસ કમિશનર દ્વારા પેનલ્ટી લગાડવામાં આવતી હતી પરંતુ હવે આ તમામ પેનલ્ટી કેન્દ્ર સ્થળેથી કરવામાં આવશે જે માટે બોર્ડે નેશનલ ઈ-અસેસમેન્ટ સેન્ટરને માન્યતા આપી છે અને જે કોઈ અધિકારી કરદાતાઓનાં કેસનું ઈ-અસેસમેન્ટ અથવા તો સ્ક્રુટીની કરતા હોય તે અંગેની તમામ માહિતીઓ આરઈસી એટલે કે રીઝનલ ઈ-અસેસમેન્ટ સેન્ટરનાં અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ મારફતે કરવામાં આવશે. ફેસલેસ અસેસમેન્ટ આવવાના કારણે હવે કરદાતાઓ તેમની કોઈપણ માહિતી છુપાવી શકશે નહીં અને તેમની તમામ માહિતીઓને ડિજિટલાઈઝ કરવામાં આવશે જેથી તેમના દ્વારા કરવામાં આવેલા નાણાકિય વ્યવહારોની પણ ભાર સરળતાથી મળી શકશે. અંતમાં આવકવેરા વિભાગનાં સંપર્ક સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ અસેસમેન્ટ સ્કીમ વડાપ્રધાન મોદી દ્વારા ૧૪ ઓગસ્ટના રોજ અમલી બનાવવામાં આવી હતી જેને પાઈલોટ પ્રોજેકટ તરીકે ઓકટોબર ૨૦૧૯માં શરૂ કરવામાં આવ્યો હતો. ફેસલેસ ઈ-અસેસમેન્ટ સ્કીમ હેઠળ કુલ ૫૮,૩૦૦ કેસોની પસંદગી કરવામાં આવી હતી જેમાંથી ૮૭૦૦ કેસોનો નિકાલ હાલ કરી દેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here