મેઘમહેર:ગીર ગઢડામાં 4 કલાકમાં 4 ઈંચ, સનવાવ, ફાચરિયા અને વિઠ્ઠલપુર ગામ બેટમાં ફેરવાયું, ઘરોમાં પાણી ઘૂસ્યા

0
107
  • જામનગરના વાંસજાળિયામાં 3, ધુનડામાં 2 અને પરડવા ગામમાં અડધો ઇંચ વરસાદ
  • ગીરગઢડાના જરગલીમાં ભારે વરસાદથી મકાન ધરાશાયી

સૌરાષ્ટ્રમાં સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ગીર ગઢડાના સનવાવ ગામે પણ ચાર કલાકમાં ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. સનવાવ ગામને જોડતો બેઠો પુલ પાણીમાં ગરક થઈ ગયો છે. રૂપેણ નદીમાં પાણી આવક વધી રહી છે. સવારથી વરસી રહેલા વરસાદના પગલે ખીલાવ ગામમાંથી પસાર થતો બેઠો પુલ પણ પાણીમાં ગરકાવ થયો છે. આથી વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. બીજી તરફ જામનગર જિલ્લામાં પણ 24 કલાકમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ગીરગઢડાના જરગલી ગામે ભારે વરસાદથી આતુભાઈ ભાયાભાઈ વંશનું મકાન ધરાશાયી થયું છે. જો કે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

કોડીનારનું વિઠ્ઠલપુર અને ફાચરિયા ગામ બેટમાં ફેરવાયું
કોડીનારના આલીદર રોડ પર વિઠ્ઠલપુર ગામના બ્રિજ પર સાંગાવડી નદીનું પાણી ફરી વળ્યું છે. 20 ફૂટ ઉંચા બ્રિજ પર પાણી વહી રહ્યું છે. વિઠ્ઠલપુર ગામ હાલ બેટમાં ફેરવાયું છે. ગામમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. આ ઉપરાંત કોડીનારનું ફાચરિયા ગામ પણ બેટમાં ફેરવાયું છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે રાવલ ડેમ ઓવરફલો થતા ચાર દરવાજા એક એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. રાવલ નદી પાસેના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. રાવલ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

જામનગર જિલ્લામાં પોણા ચાર ઇંચ સુધી વરસાદ
જામનગર જિલ્લામાં 24 કલાકમાં જામજોધપુર તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં 24 કલાકમાં જામનગર તાલુકાના વસઈ ગામે પોણા ચાર ઇંચ, ફલ્લામાં ઝાપટા, જામવંથલીમાં દોઢ ઈંચ, ધુતારપર ગામે અડધો ઈંચ અને જોડિયા તાલુકાના બાલંભામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ધ્રોલ તાલુકાના લતીપર અને લૈયારામાં પોણો અને અડધો ઇંચ વરસાદ, જ્યારે કાલાવડ તાલુકાના નિકાવા અને ખરેડીમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારમાં સમાણામાં અડધો ઇંચ, શેઠવડાળામાં પણ અડધો ઇંચ, વાંસજાળિયામાં ત્રણ ઇંચ, ધુનડામાં બે ઇંચ અને પરડવા ગામમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. લાલપુર તાલુકાના મોટા ખાડબા ગામે ઝાપટા વરસ્યા હતા.

શાહી નદીમાં પૂર આવતા નગડિયા અને વાજડીડ ગામ સંપર્ક વિહોણા
ગીરમાં ધોધમાર વરસાદથી જામવાળા ગીરમાં આવેલા સીંગોડા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. આથી 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગીર ઉપરવાસમાં ભારે વરસાદથી શાહી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આથી નગડિયા અને વાજડી ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ ફરી ઓવરફલો થયો છે. આથી 10 ગામને જોડતો બેઠો કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે રૂપેણ, સાંગાવાડી, રાવલ અને મછુન્દ્રી તમામ નદીઓ ગાંડીતૂર બની છે.

ભાવનગરમાં ધીમીધારે, શેત્રુંજી ડેમના 20 દરવાજા ખોલાયા
સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ભાવનગર સહિત જિલ્લામાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે પાલિતાણામાં 7, વલ્લભીપુરમાં 4, ઉમરાળા 3, ભાવનગરમાં 2, ઘોઘામાં 2 અને જેસરમાં 2 મિમિ વરસાદ વરસ્યો છે. જ્યારે તળાજામાં વરસાદી ઝાપટાં વરસ્યા હતા. ગારીયાધાર, મહુવા અને સિહોરમાં માત્ર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ભાવનગર, પાલિતાણા અને ગારિયાધાર સહિતનો પાણી પ્રશ્ન હલ થયો છે અને સાથોસાથ પુરતા પ્રમાણમાં શેત્રુંજી ડેમમાંથી પાણી મળવાનાકારણે વિપુલ પ્રમાણમાં ખેત ઉત્પાદન થશે. જેને લઈને ખેડૂતોમાં આનંદ પ્રસરી ગયો છે. શેત્રુંજી ડેમ છેલ્લા 4 દિવસથી ઓવરફલો થઈ રહ્યો છે. ડેમની ઉપવાસમાં વરસાદના પગલે આજે સવારથી ડેમના 20 દરવાજા ખોલવામાં આવ્યા છે અને પાણીની 2030 ક્યુસેક આવક-જાવક શરૂ છે.

ગીર ગઢડાની સાંગાવાડી નદીમાં ઘોડાપૂર
ગીર ગઢડાના હરમડિયા ગામની સાંગાવાડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. આથી હરમડિયાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં જંગલ વિસ્તારમાં ભારે વરસાદના કારણે સાંગાવાડી નદીમાં ઘોડાપૂર આવતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જો હજુ ઉપરવાસ જંગલ વિસ્તારમાં વધુ વરસાદ થાય તો નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવી સ્થળાંતર કરાવવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. કોડીનારમાં 2 અને ઉનામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજકોટના સરધાર અને ગોંડલમાં ધોધમાર વરસાદ


રાજકોટ તાલુકાના સરધાર ગામે ધોધમાર વરસાદ શરુ થયો છે. રાજકોટ-ભાવનગર હાઈવે પર ધોધમાર વરસાદ પડ્યો છે.પવન સાથે સરધારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે અને રસ્તા પાણી પાણી બની ગયા છે. ગોંડલના પાટિયાળી પાસે આવેલો મોતીસર ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. મોતીસર ડેમના 2 દરવાજા 10 ડીગ્રી ખોલવામાં આવ્યા છે. 470 ક્યુસેક પાણીની આવક સામે 470 ક્યુસેક પાણીની જાવક છે. આથી નીચાણવાળા 3 ગામો પાટિયાળી, હડમતાળા અને કોલીથડને એલર્ટ કરાયા છે. ગોંડલમાં ધોધમાર વરસાદ શર થયો છે. સવારથી વાદળછાયાં વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here