આજે રાજ્યના DGPની પ્રેસ કોન્ફરસમાં કરાયેલ આદેશ પર ગઈકાલે જેતપુર ડીવીઝનનાં ASP બાગમાર દ્વારા થઇ ચુકી છે કાર્યવાહી: પોલીસની કામગીરીનું બેનમૂન ઉદાહરણ
તા.૯, જેતપુર: આજે સાંજે ગુજરાત રાજ્યના DGP શિવાનંદ ઝા દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં લોકડાઉન દરમ્યાન વહેલી સવારે અને મોડી સાંજે વોકિંગનાં નામે ટહેલવા નીકળતા અને લોકડાઉનનો ભંગ કરતા લોકો, કે જેઓ વોકિંગ સમયે સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી શકતા નથી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સમગ્ર ગુજરાત રાજ્યની પોલીસને આદેશ અપાયા છે. ઉલ્લેખનીય છે કે, આ બાબતે ગઈકાલે “ન્યુઝ અપડેટ્સ મીડિયા” દ્વારા પ્રસિદ્ધ કરાયેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજકોટ જીલ્લાના જેતપુરમાં ધોરાજી રોડ અને જુનાગઢ રોડને જોડતા કેનાલ રોડ પર મોડી સાંજે અમુક લોકો વોકિંગનાં બહાને ટહેલવા નીકળે છે અને સરાજાહેર લોકડાઉનનાં નિયમોનો ઉલાળિયો કરે છે.
“ન્યુઝ અપડેટ્સ મીડિયા”નો આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ જેતપુરનાં કર્તવ્યનિષ્ઠ ASP સાગર બાગમાર દ્વારા પોલીસ સ્ટાફને તાત્કાલિક પગલાં ભરવા માટેનાં આદેશ કરવામાં આવ્યા હતા જેના અનુસંધાને ગઈકાલે સાંજે ૮ વાગ્યાના સુમારે જેતપુર પોલીસ દ્વારા કેનાલ રોડ પર પેટ્રોલિંગ હાથ ધરી વોકિંગ માટે નીકળેલા અને લોકડાઉનનાં જાહેરનામાનો ઉલ્લંઘન કરી રહેલા ૬ લોકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવી જ કામગીરી આગામી દિવસોમાં પણ જેતપુર પોલીસ દ્વારા થતી રહે તેવું પ્રજાજનો ઇચછી રહયા છે.