જુનાગઢમા બાબી વંશની રાજસતા હતી.બાબી નવાબ શેરખાન સતા ભોગવતા હતા.ત્યારે કેશોદ તાલુકાના કનેરી,શેરગઢ,તરશીગડા વગેરે ૨૪ જેટલાં ગામોમાં મહિયા રાજપૂતોનો ભગવો લહેરાતો હતો.આવું જ એક ગામ પ્રાશલી માં મહિયા મુખી મુળુભા બાબરિયા હતા.સવંત ૧૮૨૪નાફાગણ સુદ ૪ની ઢળતી સાંજેનો સમય હતો.ગામ મુખી મુળુભાના કુંવર વસ્તાબાપુની જાન પરણીને પાછી આવી હતી.શરણાઈના સૂર લહેરાઈ રહ્યા હતા.મંગલ ગીતો ગવાઈ રહ્યા હતા.ગામમાં ઉત્સવ જેવો માહોલ હતો.મુળુભાની ડેલીએ આવીને કોઈકે સમાચાર દીધા હકુ મકરાણી પ્રાશલી ગામનું ગૌધણ વારી ગયો.
વસ્તાબાપુએ પડકારો, “હકુ મકરાણી!….કી દસ ગ્યો.”
સામેથી જવાબ આવ્યો ,”હા બાપુ હકુ મકરાણી…નોજનાવાવની સીમ ભણી.”મીનધોળ બાંધ્યા વસ્તાબાપુએ તલવાર ખેંચી.ઘોડી પલાની તે દિશામાં પવન વેગે ઘોડી દોડાવી મુકી.પાછળ મહિયા જાનૈયાઓ પણ હથિયાર લઇને દોડ્યા .ગામમાં વાગતા લગનના મંગલ ઢોલનો સૂર ધીગાણાનાં ઢોલમાં પલટાઈ ગયો. વસ્તાબાપુએ પવનની લહેરની માફક ઘોડી દોડાવી. અણિયારીની સીમમાં મકરાણીઓ ને આંબી પડકારો કર્યો.માટી થાજો મકરાણા તલવાર મ્યાનમાંથી કાઢી અને દુશમનના ટોળામાં ભળી ગયા.જેમ સિંહ ઘેટા–બકરાના ટોળાને વિખેરવા માંડે તેમ વસ્તાબાપુ દુશમનના કટકને ધમરોળવા માંડ્યા.કોઈએ પાછળથી વાર કરતા વસ્તાબાપુનું માથું પડ્યું પણ ધડ દુશ્મનો સામે અણનમ લડતું રહ્યું.ત્યાં સુધીમાં પાછળ આવતા બીજા અશ્વારો પહોચી ગયા.મકારાણીઓ ગૌધણ મુકીને ભાગ્યાં.અશ્વારો વસ્તાબાપુનું ધડ અને ગૌધણ લઇ પ્રાશલી આવ્યા.
આમ, વસ્તાબાપુ ગૌરક્ષા કાજે ધીગાણામાં કામ આવ્યા.
હાલ પણ અણીયારીની સીમમાં વસ્તાબાપુની રણ ખાંભી અને પ્રાશલીના પાદરમાં વસ્તાબાપુનો પાળિયોએ વરસો જુના વીરત્વના સાક્ષી સમા ઊભા છે.
અહેવાલ :- અનિરુદ્ધસિંહ બાબરીયા કેશોદ