રીબડા જુગાર કલબમાં પોલીસ વડા દ્વારા પગલાં: એલસીબી પીઆઇ સહિત બેની બદલી

0
45719

રીબડા માં બહુચર્ચિત જુગાર કલબ માં જિલ્લા પોલીસ વડાએ રિપોર્ટ આવ્યા બાદ ખાતાકીય પગલાં ભરવાનું શરૂ કર્યું છે જેમાં ગઈકાલે એલસીબીના પીઆઇ રાણા અને ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ રીઝવી ની બદલી કરવામાં આવી છે. જિલ્લાના અન્ય ૪ પીએસઆઈની પણ અરસ પરસ બદલી કરવામાં આવી છે.


રીબડા માં જુગાર ક્લબ ચલાવનાર વાડી માલિક અનિરુદ્ધસિંહ મહિપત જાડેજા ની પોલીસ હજુ શોધખોળ કરી રહી છે ત્યારે આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એ ખાતાકીય પગલાં લેવાનું શરૂ કર્યું છે. જેમાં એલસીબીના પીઆઇ એમ.એન રાણાની એલઆઈબી તથા ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ ટી.એસ રીઝવીને રીડર શાખામાં મુકી દેવામાં આવ્યા છે. અન્ય ૪ પીએસઆઈની પણ બદલી કરવામાં આવી છે જેમાં પડધરીના પી.એસ.આઇ એમ જે.પરમાર ને ગોંડલ તાલુકામાં જ્યારે રીડર શાખા ના પી.એસ.આઇ વી એમ લગારીયા ને પડધરી કોટડાસાંગાણીના પીએસઆઇ આર ડી ચૌહાણ ને ગોંડલ સિટી અને ગોંડલ સીટી ના પીએસઆઇ વી.કે ગોલવેકરને કોટડાસાંગાણી મૂકવામાં આવ્યા છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે રીબડા માં વાડી માલિક અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને દિપક સિંહ જાડેજા એ છેલ્લા ઘણા વખતથી જુગાર કલબ શરૂ કરી હતી. જેમાં દરોડો પાડી પોલીસે ૮.૧૩ લાખની રોકડ સહિત ૨૪.૩૯ લાખના મુદ્દામાલ સાથે વાડી માં જુગાર કલબનો સંચાલન કરનાર અગાઉ રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતાં મહાવીરસિંહ જાડેજાના ભાઈ દિપક સિંહ જાડેજા સહિત ૧૮ ની ધરપકડ કરી હતી. બહુચર્ચિત જુગાર ક્લબ માં વાડી માલિક અનિરુદ્ધ સિંહ જાડેજા ફરાર હોય જેની ધરપકડ માટે અલગ-અલગ ત્રણ ટીમ બનાવવામાં આવી છે. હજુ સુધી અનિરુદ્ધસિંહ જાડેજા પોલીસના હાથ લાગ્યા નથી ત્યારે આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડાએ ખાતાકીય પગલાં ભરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here