ગુજરાતમાં વરસી રહેલા સતત વરસાદ બાદ સી. આર. પાટીલે ટ્વીટ કર્યું હતું, ‘રાજ્યમાં 102 ટકા વરસાદ વરસી ગયો છે. આ ખેતી માટે ખૂબ સારા સમાચાર છે. તેના કારણે આગામી સમયમાં ગ્રામીણ ઇકૉનૉમી વધારે મજબૂત બનીને ઊભરશે એવી આશા રાખું છું.’
સી. આર. પાટીલના આ ટ્વીટ બાદ લોકોએ તેમને ખૂબ ટ્રૉલ કર્યા છે અને પોતાને ખેડૂત ગણાવતાં સોશિયલ મીડિયા યૂઝર્સ ટ્વિટર પર પોતાનો રોષ ઠાવી રહેલા જોવા મળ્યા હતા.
ગુજરાતમાં અનરાધાર પડેલા વરસાદના કારણે ખરીફ પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
નદી કાંઠાના, નીચાણવાળા તથા ડેમ પાસેના વિસ્તારોમાં પાણીના વિનાશકારી વહેણના કારણે ખેતરો ધોવાયાં છે અને પાકનો સફાયો થઈ ગયો છે.
તેવામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના આ ટ્વીટથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ધર્મેશ પટેલ નામના ટ્વિટર યૂઝર લખે છે, “અહીં આવો તો ખબર પડે કે 102 ટકા વરસાદથી ફાયદો થયો કે નુકસાન. મગફળીમાં ફૂગ આવી ગઈ, મરચાં બળી ગયાં. મગ, અડદ અને તલના પાક 110 ટકા હાથમાંથી ગયા અને તમે કહો છો કે ઇકૉનૉમી ઉપર આવશે.”
ઉલ્લેખનીય છે કે કરોના વાઇરસના સંક્રમણ વચ્ચે રેલીઓ, સરઘસો યોજવાં અને સભાઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન ન કરવાના આક્ષેપો પાટીલ પર થતા આવ્યા છે.

ખેડૂતોની ચિંતા

સતત બે અઠવાડિયાં સુધી પડેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે.
ખેડૂતો માટે ચોમાસુ પાક એટલે કે ખરીફ પાકની આ સૌથી મુખ્ય સિઝન છે. જેમાં અતિભારે વરસાદ પડતાં હવે પાક નિષ્ફળ જવાની ભીતિ છે.
સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં ખેડૂતોને ભારે નુકસાનની ચિંતા સતાવી રહી છે.
આ જિલ્લાઓમાં ચોમાસામાં મુખ્યત્વે મગફળી અને કપાસનો પાક લેવામાં આવે છે. જેમાં પાણી ભરાઈ જતાં ઉત્પાદન ઘટવાની શક્યતા છે.