શહેરના પાંડેસરા વિસ્તારમાંથી અપહરણ કરાયેલા બાળકનો મૃતદેહ મળી આવતા પોલીસ ખાતામાં હડકંપ મચ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધી કાઢ્યો છે. બાળક જૂના મકાનમાં જ રહેતા ઓળખીતાના ઘરેથી જ મૃત હાલતમાં મળી આવ્યો છે. જ્યારે ગળા પર ઈજાના નિશાન હોવાથી હત્યાની આંશકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું સાચું કારણ સામે આવશે
પરિવારનો એકનો એક દીકરો હતો
પાંડેસરા વિસ્તારમાં આવેલા જીવનદીપ નગરમાં આકાશ સંતોષ તિવારી(ઉ.વ.11) પરિવાર સાથે રહેતો હતો. ઘર નજીકમાં આવેલી સીતારામ હિન્દી વિદ્યાલયમાં ધોરણ 4માં અભ્યાસ કરતો હતો. પિતા સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હતા. તે એકનો એક દીકરો હતો. જૂન મહિનામાં જ મકાન બદલી 100 મીટર દૂર આવેલા મકાનમાં રહેવા આવ્યા હતા. દરમિયાન ગઈ કાલે બપોરે આકાશ ગુમ થઈ ગયો હતો. જેથી પહેલા પરિવારના સભ્યોએ આકાશની શોધખોળ હાથ ધરી હતી. જોકે, આકાશ ન મળી આવતા પાંડેસરા પોલીસમાં અપહરણની ફરિયાદ પણ નોંધાવી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે
પાંડેસરા પોલીસ મથકના પીઆઈ એપી ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઈ કાલે બપોરે 3 વાગ્યે બાળક આકાશ સંતોષ તિવારી(11 વર્ષ) ગુમ થયો હતો. જેથી અપહરણની ફરિયાદ નોંધી હતી. તપાસ દરમિયાન પોલીસે નવા મકાનના 100 મીટરના અંતરે આવેલા જૂના મકાનમાં રહેતા શંકાસ્પદ યુવક પાસે આકાશ હોવાની જાણ થઈ હતી. જેથી મકાનની તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો. હાલ પોલીસ અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળશે.

જૂના મકાનમાં રહેતા ઓળખીતા યુવક પર આશંકા
પરિવારજનોના જણાવ્યા અનુસાર, જૂના મકાનમાં બે વ્યકિત રહેતા હતા. જેમાંથી એક ડ્યૂટી પર હતો અને એક યુવક હાજર હતો. આકાશ ગુમ થયો ત્યારે તેની શોધખોળમાં તેણે પણ સાથ આપ્યો હતો. દરમિયાન તેના જ રૂમમાંથી મૃતદેહ મળી આવ્યો છે. જેથી તેના પર પૂરે પૂરી આશંકા છે. આકાશની લાશ તેના પલંગ નીચેથી ચટાઈમાં અને ચંપલ સંતાડેલા મળી આવ્યા હતા. પોલીસ હાલ એ યુવકની પૂછપરછ કરી રહી છે.