ઉના ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો રાહદારી અને વેપારીઓ પાસે માસ્ક મોઢે બાંધવા બાબતે દંડ વસુલ કરી અતિરેક કરાઈ રહ્યાની લોક ફરિયાદો વધી રહી છે. સમગ્ર ભારત દેશ તથા સમગ્ર ગુજરાત રાજ્યમાં કોવિડ-૧૯ કોરોના વાયરસનું પ્રમાણ કુદકેને ફુકે વધતુ જાય છે અને સરકારે બહાર પાડેલ જાહેરનામાની ગાઈડલાઈન મુજબ વાહનચાલકો, રાહદારીઓને માસ્ક પહેરવું ફરજિયાત છે અને લોકો પહેરે પણ છે પરંતુ ઉના ટ્રાફિક પોલીસ દ્વારા માસ્ક લોકોએ પહેર્યુ હોવા છતાં થોડુ મોઢા ઉપરથી ઉપર નીચે થઈ ગયું હોય તો પણ ટ્રાફિક પોલીસ દ્વારા માસ્ક ન પહેર્યાનો દંડ વસુલ કરી અતિરેક કરવામાં આવે છે તેમજ વેપારીઓની દુકાને દુકાને જઈને પણ દંડની વસુલાત કરાતી હોવાની વેપારીઓમાં કચવાટની લાગણી ફેલાઈ રહી છે.
તેમજ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી લાઈસન્સ અને આરસી બુક માગવામાં આવે છે ત્યારે ઘણા ચાલકો પોતાના મોબાઈલમાં સરકાર માન્ય ડિજિટલ વોકર દેખાડવા પ્રયાસ કરે છે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા મોબાઈલ લઈ અને મોટા ગુનેગાર જેવુ પણ વર્તન કરવામાં આવે છે તો આ મહા મંદીના સમયમાં ટ્રાફિક પોલીસ દ્વારા માનવતાનો અભિગમ દાખવે તેવુ લોકો ઈચ્છી રહ્યા છે.