અમદાવાદના કુબેરનગરમાં આવેલું એક 3 માળનું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ અચાનક ધરાશાયી થતા દુર્ઘટના સર્જાઈ હતી. મોડી રાત્રે બિલ્ડિંગ ધરાશાયી થયું હોવાનું સામે આવ્યું છે. આ સમયે ત્રણ યુવકો અંદર કામ કરી રહ્યાં હતા. આ ત્રણ યુવકોમાંથી એકનું મોત થયું છે, જ્યારે અન્ય બે ઈજાગ્રસ્ત થયા છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જાણવા મળ્યાનુસાર આ કોમર્શિયલ બિલ્ડિંગમાં ત્રણ યુવકો સિલાઈ કામ કરી રહ્યાં હતા. તે સમયે અચાનક ધડાકા સાથે બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયું. બિલ્ડિંગ પડવાનો અવાજ સંભળાતા આસપાસના લોકો સફાળા જાગી ગયા અને ઘર બહાર દોડી આવ્યા હતા. ઘટના સ્થળે પહોંચેલા સ્થાનિકોએ અંદર ફસાયેલા યુવકનો બચાવવા પ્રયાસો કર્યા અને સાથે જ પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી.