નાના માંડવાના સરપંચ અને યુવાનોની હિંમત અને કોઠાસુઝે પાણીમાં ફસાયેલા ૬ લોકોની જીંદગી બચાવી

0
394

રાજકોટ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં સાર્વત્રીક પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાના મોટા ભાગના જળાશયો પાણીની આવકથી છલોછલ ભરાઇ ગયેલ છે. કોટડાસાંગાણી તાલુકાના નાના માંડવા ગામે ભારે વરસાદના કારણે વાડી વિસ્તારમાં ફસાયેલા એક જ કુટુંબના નાના-મોટા મળીને કુલ ૬ સભ્યોને ગામના સરપંચ અને ગામ લોકોની જાગૃતિ, સતર્કતા અને ત્વરીત કામગીરીએ જાન જોખમે બચાવ્યા છે.

ફસાયેલા કુટુંબના મોભી એવા જોરૂભાઇએ બચાવ થતાં હર્ષભેર જણાવ્યું હતું કે, છેલ્લા ચોવીસ કલાકમાં પડેલા ભારે વરસાદને કારણે કોટડા સાંગાણીના નાના માંડવા ગામ અને સીમ વિસ્તાર વચ્ચે આવેલા ઉતાવળી નદીમાં પાણીનું વહેણ જોખમી બનતા ગામની સીમવિસ્તારના નદીના સામાકાંઠે વાડીમાં જોરૂભાઇ ચૌહાણ તથા કુટુંબના અન્ય પાંચ વ્યકતીઓ ફસાયેલા હોવાથી ગામના જાગૃત સરપંચશ્રી પ્રવિણસિંહ ચૌહાણને જોરૂભાઇ ચૌહાણે ફોનથી જાણ કરતા સરપંચશ્રીએ ઇનચાર્જ મામલતદારશ્રી પી.જી.પરખીયાને તાત્કાલીક ફોન પર જાણ કરી હતી. તેઓ તથા તેમની ટીમ નાનામાંડવા ગામે સ્થળ પર જવા તુરત જ રવાના થયા હતા.
પરંતુ મદદ પહોંચતા સમય લાગે તેમ હોવાથી તથા પાણીનું સ્તર વધુ જોખમી લાગતા ગામના જાગૃત સરપંચે સતકર્તા દાખવી ગામના યુવાનોએ એકઠા કર્યા હતા અને પરીસ્થિતીથી વાકેફ કર્યા હતા. આથી ગામના ૩૦ જેટલા બહાદુર યુવાનોએ જીવના જોખમે જાડા રસ્સાની મદદથી નદીના સામાકાંઠે પહોંચી જોરૂભાઇ મોહનભાઇ ચૌહાણ ઉ.વ.૪૮, સોનલબેન જોરૂભાઇ ચૌહાણ ઉ.વ. ૪૬, શ્રધ્ધાબેન હરપાલભાઇ ચૌહાણ ઉ.વ. ૨૨, દિપાલીબેન જોરૂભાઇ ચૌહાણ ઉ.વ. ૧૬, હિરવાબેન જોરૂભાઇ ચૌહાણ ઉ.વ. ૧૪ તથા મીતરાજ જોરૂભાઇ ચૌહાણ ઉ.વ.૧૧ ને હૈયાધારણ આપી તેઓને બચાવ્યા હતા. તેઓનો ગામમાં વસવાટ ન હોવાને કારણે સરપંચશ્રી પ્રવિણસિંહ ચૌહાણએ પોતાના ઘરે રહેવા જમવાની વ્યવસ્થા સાથે આશ્રય આપ્યો છે.
શ્રી જોરૂભાઇ ચૌહાણે તેમના કુટુંબને નવજીવન આપનાર ગામના સરપંચ અને તમામ યુવાનો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here