આજે લોકડાઉનનો ૨૦મો દિવસ છે. ગુજરાતના દરેક નાગરિકનાં મનમાં એક જ પ્રશ્ન છે કે શું હવે લોકડાઉન ખુલશે કે લંબાશે? પરંતુ સરકાર દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને આ લોકડાઉન તો આપણી સ્વરક્ષા માટે છે. જેનું પાલન આપણે જાતે જ કરવું જોઈએ. જોકે હજી પણ ગુજરાતમાંથી અનેક કિસ્સાઓ એવા પણ બહાર આવી રહ્યા છે કે, લોકડાઉનનો અમલ કરાવવા માટે પોલીસે શિક્ષાત્મક પગલાં લેવાની ફરજ પડી હોય. તેની વચ્ચે પોલીસ અને પ્રજાની મિત્રતાને ઉજાગર કરતો અનોખો કિસ્સો સામે આવ્યો છે.
હાલની પરિસ્થિતિમાં જે રીતે તબીબો, પેરામેડિકલ સ્ટાફ, સફાઈ કર્મચારીઓ અને પોલીસકર્મીઓ નાગરિકોની સેવામાં જીવનાં જોખમે પણ અવિરત ઊભા છે તે જોતા દરેક ભારતીયને સમજાઈ ગયું છે કે દરેક કામ કર્મચારી માત્ર નોકરી છે કે પગાર મળે છે એટલે મારે કરવું પડે, એ જ વાત મનમાં રાખીને નથી કરતો. જેમ માતા પોતાનાં બાળકને કડવી દવા પીવડાવવા પહેલા સમજાવે, ડરાવે, ધમકાવે અને તોય ના માને તો શિક્ષા પણ કરે છે, પણ તેની પાછળ માતાનો આશય બાળક સ્વસ્થ રહે એવો જ હોય છે. આવો જ કિરદાર અત્યારે પોલીસ ભજવી રહી છે.
પૂર્વ અમદાવાદનાં ઇસનપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અત્યંત સંવેદનશીલ વિસ્તાર શાહઆલમમાં રવિવારે સાંજે લગભગ ૫:૦૦ કલાકે પોલીસ રોજની જેમ જ્યારે ફૂટપેટ્રોલિંગમાં નીકળી ત્યારે મિલ્લતનગરથી રસુલ્લા બાજું જવાના રસ્તા પર નાનાં બાળકો સહિત તમામ રહીશોએ પોલીસ પર પુષ્પવર્ષા કરીને આભાર વ્યક્ત કર્યો હતો અને જ્યારે લોકોએ પુષ્પવર્ષા કરી ત્યારે પોલીસ પણ નવાઈ પામી હતી. સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી અને પોલીસનો જુસ્સો વધાર્યો હતો તથા પોલીસે પણ હાથ જોડીને સ્થાનિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. લોકોને સમજાવ્યું હતું કે “ઘરમાં રહો, સ્વસ્થ રહો. તબીબોના માર્ગદાર્શન અને લોકડાઉનના નિયમોનું પાલન કરો. અમે તમારી સુરક્ષા માટે કટિબદ્ધ છીએ. તમને કોઈપણ મુશ્કેલી હોય તો પોલીસને જાણ કરો. પોલીસ તમારી સાથે જ છે.”
આ સમગ્ર બનાવ દરમિયાન રહીશોએ માસ્ક પણ પહેર્યા હતા સોશિયલ ડિસ્ટન્સ પણ મેન્ટેઇન કર્યું હતું અને પોતાનાં ઘરની બાલ્કનીમાં જ ઊભા રહીને ફૂલોથી પોલીસને વધાવી હતી. આવું સન્માન જો પોલીસને તથા તમામ આરોગ્ય સેવકો અને સફાઈ કર્મીઓને મળે તો તેમનો બધો થાક ઉતરી જાય.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ એ જ વિસ્તાર છે જ્યાં CAAના વિરોધ પ્રદર્શન વખતે પોલીસ પર પત્થરમારો થયો હતો અને લગભગ ૨૦થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જેમાં ઘાયલ થયેલા DCP બિપિન આહિર, J ડિવિઝનના ACP રાજપાલસિંહ રાણા સહિત PI સોલંકી, PSI ચાવડા પણ ફૂટ પેટ્રોલિંગમાં શામેલ હતા.