રાજકોટમાં ભાદરવો ભરપૂર વરસાદ વરસ્યો છે, ગતરાત્રિ દરમિયાન વધુ બે ઇંચ પાણી વરસી જતા ગઇકાલે રવિવારે સવારે સાત વાગ્યાથી આજે સોમવારે સવારે સાત સુધીના છેલ્લા ૨૪ કલાકમાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ ૪૫ ઇંચ થયો હોવાનું મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.
વધુમાં રાજકોટ મહાપાલિકાના સૂત્રોએ ઉમેર્યું હતું કે ફાયરબ્રિગેડ શાખાના રેકર્ડ અનુસાર આજે સવાર સાત વાગ્યાની સ્થિતિએ રાજકોટ શહેરનો મોસમનો કુલ વરસાદ ૪૫ ઇંચ થયો છે તેમ છતાં ગત વર્ષની તુલનાએ હજુ ૧૫ ઇંચ વરસાદની ઘટ છે, ગત વર્ષે મોસમનો કુલ વરસાદ રેકોર્ડબ્રેક ૬૦ ઇંચ વરસ્યો હતો. ઝોનવાઈઝ મોસમનો કુલ વરસાદ જોઈએ તો સેન્ટ્રલ ઝોનમાં ૧૧૩૫ મીમી, વેસ્ટ ઝોનમાં ૧૧૨૩ મીમી અને ઇસ્ટ ઝોનમાં ૧૦૨૮ મીમી વરસાદ મીમી નોંધાયો છે.
રાજકોટ શહેર પીવાનું પાણી પુરું પાડતા મુખ્ય જળસ્ત્રોત એવા આજી-૧, ન્યારી-૧ અને ભાદર-૧ ઉપરાંત લાલપરી તળાવ સહિતના ચારેય જળાશયો ચાલુ ચોમાસે સતત ચોથી વખત ઓવરફ્લો થયા છે. હજુ પણ આગામી ૨૪થી ૪૮ કલાક દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી હોય ફાયર બિગેડ સ્ટાફને હેડક્વાર્ટર નહીં છોડવા આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.