અમદાવાદ શહેરના 7માંથી એકપણ ઝોનમાં વરસાદની ઘટ નહીં, દક્ષિણ પશ્ચિમમાં સૌથી વધુ 37 ઈંચ

0
272

રવિવારે કોતરપુરમાં સૌથી વધુ 3 ઈંચ, નરોડામાં અઢી ઈંચ અને શહેરમાં સરેરાશ 1 ઈંચ વરસાદ.

શહેરમાં શનિવારે મધરાતથી વરસાદ શરૂ થયો હતો. દિવસભર સરેરાશ એક ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જો કે, શહેરના જુદા જુદા વિસ્તારોમાં અડધો ઈંચથી 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ 3 ઈંચ કોતરપુરમાં અને 2.5 ઈંચ નરોડામાં તથા ચાંદખેડામાં 2 ઈંચ વરસાદ પડ્યો હતો. સૌથી ઓછો વરસાદ બોડકદેવમાં નોંધાયો હતો. શહેરના 7માંથી એકપણ ઝોનમાં હવે વરસાદની ઘટ રહી નથી. અમદાવાદમાં સિઝનમાં કુલ 30 ઈંચ વરસાદની જરૂર સામે પ્રત્યેક ઝોનમાં 30થી વધુ ઈંચ વરસાદ થયો છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 37 ઈંચ વરસાદ ખાબક્યો છે.

બીજી તરફ ઉપરવાસમાં વરસાદને પગલે ધરોઈ ડેમમાંથી સોમવારે સાંજ સુધીમાં સાબરમતી નદીમાં 10થી 15 હજાર ક્યુસેક પાણી છોડવાની શક્યતા છે. જેને પગલે કાંઠાવાળા વિસ્તારો અને જિલ્લાના કેટલાક ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલમાં વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. શહેરમાં સિઝનનો કુલ વરસાદ 33.5 ઈંચ જેટલો નોંધાયો છે. રવિવારે બપોરે 12થી 3 વાગ્યા દરમિયાન કોતરપુર, નરોડા, ચાંદખેડા, મેમ્કો, ઓઢવ, રાણીપ, વિરાટનગર, ઉસ્માનપુરા અને ગોતા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. શહેરમાં 10થી વધુ સ્થળોએ પાણી ભરાયા હતા. 3 સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયાની પણ ફરિયાદો મળી હતી.

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે.

વાસણા બેરેજના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે.