કોરોનાને કારણે મનરેગા યોજના હેઠળ બનાસકાંઠામાં ચાલતુ કરોડોનું કૌભાંડ ઝડપાયુ

0
232

ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ કેટલા કૌભાંડો ચાલી રહ્યા છે તેનું એક તાજુ ઉદાહરણ સામે આવ્યુ છે. બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં મરી ગયેલા લોકોના નામ મનરેગામાં સામેલ કરી પૈસા એંઠવાના કામ ચાલી રહ્યા છે. તેમજ મૃત્યુ પામેલા આ લોકોને 2016 થી 2019 ની વચ્ચે મનરેગાની સાઈટો પર કામ કરતા ચોપડે નોંધવામાં આવ્યા છે. અને તેમના નામે મળેલી મજૂરીના પૈસા ગાયબ કરી દેવાયા છે.

આ મામલો બનાસકાંઠા જિલ્લાના બલુંદરા ગામનો છે. થોડા સમય પહેલા ત્યાંના સ્થાનીક કાર્યકર્તા કિરણ પરમાર અને વડગામનાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ મનરેગા યોજના હેઠળ ચાલી રહેલા કરોડો રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. તેમનો દાવો હતો કે આશરે 2600 ની વસ્તી ધરાવતા બલુંદરા ગામના 800 લોકોના ખાતા તેમની જાણકારી વગર જ ખોલવામાં આવ્યા હતા. જેમાં મનરેગા યોજના હેઠળ પૈસા જમા થઈ શકે.

આ કૌભાડ ત્યારે સામે આવ્યુ જ્યારે કોરોનાને કારણે બેરોજગાર બનેલા મજૂરો મનરેગા યોજના હેઠળ કામ મેળવવા ગયા. પરંતુ તેમને જણાવવામાં આવ્યુ કે તે લોકોના નામ તો પહેલા યોજનામાં જોડાયેલા છે અને સરકાર તેમાં પૈસા પણ જમા કરાવી રહી છે.