- હું ખાનગીમાં કંપનીમાં નોકરી કરું છું, બાળક રડે એટલે તરત પત્ની પાસે મોઢું બતાવવા દોડી જાવ છું: પતિ
- ડ્યૂટીમાં હોવ ત્યારે લોકોને ચેક કર્યા હોય, લાયસન્સ અડ્યા હોય જેથી કોઈ સંક્રમણનો ડર: ASI
રાજકોટ. કોરોનાના કહેર વચ્ચે આજે લોકડાઉનનો 20મો દિવસ છે. ત્યારે ડોક્ટર હોય કે પોલીસ તે પોતાની ફરજમાંથી ચૂક્યા નથી. રાજકોટ મહિલા પોલીસની વાત કરીએ તો અમુક વીરાંગનાઓને તો સલામ કરવી પડે. ત્યારે આજે નવો જ એક કિસ્સો સામે આવ્યો છે. બી ડિવિઝન પોલીસ મથકમાં ASIની ફરજ બજાવતા મિતલબેન ઝાલા સવારે 8થી સાંજે 8 સુધી ડ્યૂટી પર જ હોય છે. તે પોતાના દોઢ વર્ષના બાળકને ઘરે મૂકી ડ્યૂટી કરે છે. પરંતુ બાળક જ્યારે રડે છે ત્યારે તેના બાળકને લઈ પતિ તેની માતાનું મોઢું બતાવવા દોડી જાય છે. બીજી તરફ ઓન ડ્યૂટી રહેલી માતા સાવચેતીરૂપે બાળકને સ્પર્શ પણ નથી કરતી. મહિલા ASIના પતિ હિતેશભાઈ જણાવે છે કે આમ તો બાળક સૂઇ રહે એ મુજબ શેડ્યુલ ગોઠવ્યું છે. પરંતુ અંતે તો એ બાળક છે. ગમે ત્યારે ઉઠે તો માતા પાસે લઈ જવો પડે. આખા દિવસમાં આવું ત્રણથી ચાર વાર થાય છે.
ઘરે આવી કપડા પાણીમાં પલાળી, સ્નાન કરી અને સેનેટાઇઝરથી હાથ ધોયા બાદ બાળકને હાથમાં લે છે
મિતલબેને DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાવચેતીના ભાગરૂપે ડ્યૂટી દરમિયાન બાળકને દૂરથી જ રમાડી કે બોલાવી લઉં છું. જેથી એ શાંત પડી જાય છે. જો કે ડ્યૂટીમાં હોવ ત્યારે લોકોને ચેક કર્યા હોય, લાયસન્સ અડ્યા હોય જેથી કોઈ સંક્રમણનો ડર હોય છે. જે બાળકને પણ લાગુ ન પડે તેની સાવચેતી રાખવી પડે છે. ઘરે જાવ ત્યારે કપડા પાણીમાં પલાળી સ્નાન કરી અને સેનેટાઈઝરથી હાથ ધોયા બાદ જ હું બાળકને હાથમાં લઉં છું.