ત્રણ દિવસથી આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિના રાજકોટમાં ધામા
- 1 મહિના પહેલા રાજકોટમાં દર ચાર કલાકે 1નું મોત, 15 દિવસ પહેલા દર બે કલાકે 1નું મોત અને પાંચ દિવસથી દર કલાકે 1નું મોત
- બુધવારે રાજકોટમાં એક સાથે 32 લોકોના મોત થતાં આરોગ્ય સચિવની હાજરીમાં હોસ્પિટલમાં મૃતદેહોની કતાર લાગી હતી
રાજકોટમાં કોરોનાને કારણે મોતની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. જેને લઈને રાજ્ય સરકાર પણ ચિંતિત બની છે. રાજકોટમાં કોરોનાના કેસ અને મોતને કંટ્રોલમાં લેવા માટે આરોગ્ય અગ્રસચિવ અને સિનિયર ડોક્ટરોની ટીમે છેલ્લા ત્રણ દિવસથી રાજકોટમાં ધામા નાખ્યા છે. પરંતુ કોરોના કેસની સંખ્યા અને મોતની સંખ્યા ઘટવાને બદલે વધતી જાય છે. ગઈકાલે બુધવારે જ મોતની સંખ્યા દોઢ ગણી થઈ ગઈ હતી. એટલે કે 24 કલામાં 32ના મોત થયા હતા. છેલ્લા એક અઠવાડિયાથી સરેરાશ 20 દર્દીઓ કોરોનાને કારણે મોતને ભેટ્યા છે. મહિના પહેલા દર ચાર કલાકે એકનું મોત થતું હતું. 15 દિવસ પહેલા દર બે કલાકે એકનું મોત થતું હતું અને હવે છેલ્લા પાંચ દિવસમાં રોજ એક કલાકે એક દર્દીનું કોરોનાને કારણે મોત નીપજી રહ્યું છે.
કોરોનાને અંકુશમાં લેવા માટે જયંતિ રવિ અધિકારીઓને ઉધડા લઈ રહ્યા છે
1 સપ્ટેમ્બરના રોજ જયંતિ રવિએ હોસ્પિટલમાં 108ના સ્ટાફને જોઈને અધિકારીઓને ઉધડા લીધા હતા. હોસ્પિટલમાં 108 લાંબા સમય સુધી ઉભી રહેતી હોવાને કારણે અધિકારીઓ પર ઉગ્ર બન્યા હતા અને ઉધડા લીધા હતા. રાજકોટમાં આવ્યા બાદ જયંતી રવિએ રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં મનપાના કોરોના કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં જયંતી રવિએ હોસ્પિટલનું ભારણ ઘટાડવા પર ભાર મુક્યો હતો અને કહ્યું હતું કે, સર્વેલન્સની કામગીરીમાં જે કોઇ પોઝિટિવ આવે તેમને પોતાના ઘરે જ સારવાર લેવા પર ભાર મૂકવો. ગંભીર હોય તેવા દર્દીને જ હોસ્પિટલ દાખલ કરવામાં આવે. આશા બહેનોની મદદથી સર્વેલન્સની કડક કામગીરી કરવા અને શહેરના આરોગ્ય કેન્દ્ર પર સઘન સારવાર આપવા સૂચના આપી હતી. જો કે જયંતી રવિ રાજકોટમાં આશા બહેનો છેલ્લા એક માસથી કોરોના કામગીરીનો બહિષ્કાર કરે છે તે વાતથી અજાણ હતા.
છેલ્લા ચાર દિવસમાં કોરોનાથી થયેલા મૃત્યુનો આંક
31 ઓગસ્ટ- 19ના મોત
1 સપ્ટેમ્બર- 17ના મોત
2 સપ્ટેમ્બર- 32ના મોત
3 સપ્ટેમ્બર-27ના મોત
સ્મશાનમાં મૃતકોની અંતિમક્રિયામાં વેઈટિંગ
બુધવારે રાજકોટમાં એક સાથે 32 લોકોના મોત થતાં આરોગ્ય સચિવની હાજરીમાં હોસ્પિટલમાં મૃતદેહોની કતાર લાગી હતી. મૃતદેહોના નિકાલ માટે અફરા તફરી મચી હતી. અંતિમક્રિયા માટે લઈ જવાતા પહેલા કેટલાક મૃતદેહો 12 કલાક સુધી પડ્યા રહ્યાં હતા. સ્મશાનમાં મૃતકોની અંતિમક્રિયામાં વેઈટિંગ લાગ્યુ હતું.
આ કેમ માની શકાય? – તંત્ર કહે છે ધન્વંતરિ રથે 360 મિનિટમાં 431 લોકોનું સ્ક્રીનિંગ કર્યું
કોરોના સંક્રમણ અટકાવવા મનપા શહેરમાં 50 ધન્વંતરિ રથ ફેરવે છે. આ રથે 1 સપ્ટેમ્બરે 21558 લોકોનું સ્ક્રીનિંગ કર્યું હતું અને તેમાંથી 709 લોકોના એન્ટિજન કિટથી સેમ્પલ લેવાયા હતા. જેમાં છ વ્યક્તિ પોઝિટિવ આવ્યા હતા. આ કામગીરીની ગણતરી સમજીએ તો 50 રથે 21558 લોકોનું સ્ક્રીનિંગ કર્યું એટલે એક રથે એક દિવસમાં 431 લોકોનું સ્ક્રીનિંગ કર્યું. એક રથ દિવસમાં છ કલાક ફિલ્ડમાં કામ કરે છે. 6 કલાક એટલે કે 360 મિનિટમાં એક રથે 431 લોકોનું સ્ક્રીનિંગ કર્યું હોવાનું મનપા દાવો કરે છે. 709 લોકોના એન્ટિજન ટેસ્ટ કર્યા હતા. એક એન્ટિજન કિટનું ટેસ્ટિંગ કરવા સેમ્પલ લેવા, અને તેનું પરિણામ આવતા અંદાજે 15થી 20 મિનિટ થાય છે તો આ કામગીરી કેટલી ચોક્સાઇથી થઇ હશે?