ભજનિક હેમંત ચૌહાણ ગાળા-ગાળી કરવા મુદ્દે ગેંગે-ફેંફેઃ પોતાની અટકાયત જ કરાઈ ન હોવાની સ્પષ્ટતા કરી

0
329

ભજનિક હેમંત ચૌહાણ

  • 2 ઓડિયો ક્લીપ છે, આ તો 2015ની વાત છેઃ હેમંત ચૌહાણ
  • ભાવિન ખખ્ખર થોડા થોડા સમયે અમને ખરાબ ચિતરવા પ્રયાસ કરે છેઃ ચૌહાણ

સ્ટુડિયો સંચાલકને ધમકી આપવા મુદ્દે જાણીતા ભજનિક હેમંત ચૌહાણની પોલીસે અટકાયત કરી હોવા મામલે ખુલાસો કરવા આજે હેમંત ચૌહાણે તેના નિવાસ સ્થાને પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. હેમંત ચૌહાણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, કોઈ પણ અરજી કે ફરિયાદના અનુસંધાને મારી ધરપકડ થઈ નથી. આવા સમાચારો ભાવિન રસીક ખખ્ખરે ઈરાદાપૂર્વક મને બદનામ કરવા અને હેરાન કરવાના હેતુથી ફેલાવ્યાં હતા. જ્યારે ઓડિયો ક્લીપમાં અપશબ્દ બોલવા મુદ્દે વાત કરવામાં આવી તો હેમંત ચૌહાણની ગેંગેં-ફેંફે થઈ ગઈ હતી.

અમે માનહાનિ તેમજ કાયદા મુજબની કાર્યવાહી કરીશુંઃ ચૌહાણ
હેમંત ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર મામલે અમે માનહાનિ તેમજ કાયદા મુજબની કાર્યવાહી કરીશું. ભાવિન ખખ્ખર સામે મારે કોઈ પણ પ્રકારનો ધંધાકીય વ્યવહાર નથી કે કોઈ કરાર થયેલો નથી. તેમ છતાં તેમના પિતા રસીક ખખ્ખર સમયના જૂના કેસના આધારે હાલ ભાવિન ખખ્ખર થોડા થોડા સમયે અમને ખરાબ ચિતરવા પ્રયાસ કરી રહ્યા છે. તેના જ ભાગરૂપે હાલમાં સોશિયલ મીડિયામાં ખોટી વાત ફેલાવી હોવાની મને પુરી શંકા છે.

2015માં હેમંત ચૌહાણે શિવ સ્ટુડિયોના સંચાલકને ધમકી આપી હતી
મહત્વનું છે કે વર્ષ 2015માં હેમંત ચૌહાણ દ્વારા ફરિયાદીને ફોન પર પગ ભાંગી નાખવાની અને માર મારવાની ધમકી આપી હતી. જે મામલે પોલીસ ફરિયાદ થઈ હતી. ત્યારે હેમંત ચૌહાણે ધમકી આપી હોવાનું સામે આવતા ચાહકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.

ગત વર્ષે ભાજપમાં જોડાવાને લઈ ચર્ચામાં આવ્યા હતા
હેમંત ચૌહાણ ગત વર્ષે ભાજપમાં જોડાવાને લઈ ચર્ચામાં આવ્યા હતા. હેમંત ચૌહાણ સહિતના ગુજરાતી કલાકારો ‘કમલમ’ ખાતે ભાજપનો ખેસ પહેરી સત્તાવાર રીતે પક્ષમાં જોડાયા હતા. પરંતુ એક દિવસ બાદ હેમંત ચૌહાણે એક વીડિયો જારી કરીને સ્પષ્ટતા કરી હતી કે તે ભાજપમાં જોડાયા નથી કારણ કે તે કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈને તેમની નામના હલકી કરવા માગતા નથી.

કોણ છે હેમંત ચૌહાણ
જસદણ તાલુકાના નાના એવા કુંદણી ગામે જન્મેલા હેમંત ચૌહાણને નાનપણથી જ ભજનનું વાતાવરણ પિતા અને દાદા દ્વારા મળ્યું હતું. કોલેજની સાથે શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કરી 1976માં નોકરીની સાથે રેડિયોમાં ભજન ગાયક તરીકે હેમંત ચૌહાણને ખ્યાતિ મળી હતી. તેમણે અત્યાર સુધીમાં લગભગ 800 આલબમ, 7 હજાર જેટલાં ગીત, 100 જેટલી કાવ્ય રચનાઓ અને 10 ગુજરાતી ફિલ્મોમાં પાર્શ્વગાયન કર્યું છે.