જયોતિષ શાસ્ત્રનો વરતારો :વિશ્વભરમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારાની શકયતાના એંધાણ : આ.શ્રી વિજય નંદઘોષ સૂરિજી મ.

0
140

તા.8 થી 10 સપ્ટે.ના પાંચ ગ્રહો ઉચ્ચના, 13મીના સર્વાર્થસિઘ્ધિયોગ, તા.14-15 વિશિષ્ટ ગ્રહસંયોગ : કોરોના માટેનું વેકસીન આ દિવસોમાં જાહેર થવાની પ્રબળ સંભાવના : તા.13ના સર્વાર્થસિઘ્ધિ યોગ મનુષ્ય અને સકળ વિશ્વ માટે કલ્યાણકારક બની રહેશે

આગામી તા.8થી 10 સપ્ટેમ્બર દરમિયાન ચંદ્ર, શુક્ર, બુધ, રાહુ, કેતુ એ પાંચ ગ્રહો ઉચ્ચ રાશિના થાય છે. જ્યારે સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શનિ એ પાંચ ગ્રહો સ્વગૃહી થાય છે. જ્યારે 13મી સપ્ટેમ્બરે સર્વાર્થસિદ્ધિયોગનું નિર્માણ થાય છે અને 14 અને 15મી સપ્ટેમ્બરના રોજ પણ અદ્ભુત યોગનું સર્જન થઈ રહ્યું છે. જે સમયગાળા દરમિયાન સમગ્ર વિશ્વમાં કોરોનાની પરિસ્થિતિમાં ઘણો સુધારો આવશે તેવું જ્યોતિષશાસ્ત્રજ્ઞાતા માની રહ્યાં છે.

આ અંગે વિગતો આપતા જૈનવિજ્ઞાની ખગોળશાસ્ત્રી આચાર્ય શ્રીવિજયનંદિઘોષસૂરિજીએ જણાવ્યું કે આગામી ખગોળીય ઘટનાઓમાં તા. 9, 10 સપ્ટેમ્બર, 2020, ભાદરવા વદ-7, અને 8, બુધવાર અને ગુરુવારના તથા 14, 15 સપ્ટેમ્બર, 2020 ભાદરવા વદ-12 અને 13, સોમવાર અને મંગળવારના દિવસોમાં અદ્ભુત યોગોનું સર્જન થઈ રહ્યું છે. તેમાં પણ તા. 9,10 સપ્ટેમ્બર, 2020ના બે દિવસ દરમ્યાન તો સેંકડો કે હજારો વર્ષમાં ન થયું એવું અદ્ભુત ગ્રહોનુંસંયોજન નિર્માણ થઈ રહ્યું છે.

આ બે દિવસ દરમ્યાન દરેક ગ્રહ કાં તો સ્વગૃહી થાય છે અથવા ઉચ્ચના થાય છે અથવા તો રાશિપરિવર્તનથી ઉચ્ચના થાય છે. તેથી દરેક ગ્રહ અદ્ભુત ફળ આપનારા બની રહેશે તેમાં કોઈ શંકા નથી. સૂર્ય તેની પોતાની સિંહ રાશિમાં છે. તો ચંદ્ર વૃષભ રાશિમાં ઉચ્ચનો થાય છે. મંગળ, ગુરુ અને શનિ તેમની પોતાની રાશિમાં અનુક્રમે મેષ રાશિ, ધન રાશિ અને મકર રાશિમાં છે જ. તો બુધ ક્નયા રાશિમાં સ્વગૃહી અને ઉચ્ચનો થાય છે. શુક્ર, કર્ક રાશિમાં ચંદ્રની સાથે રાશિપરિવર્તનથી ઉચ્ચનો થાય છે. જ્યારે મિથુન રાશિમાં રાહુ અને તેની સામે ધન રાશિમાં કેતુ ઉચ્ચના થાય છે.

આ રીતે ચંદ્ર, શુક્ર, બુધ, રાહુ, કેતુ એ પાંચ ગ્રહો ઉચ્ચ રાશિના થાય છે. જ્યારે સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શનિ એ પાંચ ગ્રહો સ્વગૃહી થાય છે. અલબત્ત આ યોગ તા. 8 સપ્ટેમ્બર, 2020ના બપોરે 03-11થી શરૂ થઈ તા. 10, સપ્ટેમ્બર 2020ના રાતે 02-38 સુધી થાય છે. આ રીતે બધા જ ગ્રહો કાં તો સ્વગૃહી કે ઉચ્ચના થતા હોય તે દિવસો કોઈપણ પ્રકારના શુભ કાર્ય માટે ખરેખર ઉત્તમોત્તમ જ ગણાય અને સકળ વિશ્વ અને માનવ જાત માટે પણ આ ગ્રહસ્થિતિ અદ્ભુત હકારાત્મક પરિવર્તન લાવનારી બની રહે તેમ છે.

તેમાં પણ ખાસ કરીને મેષ લગ્ન (રાતે 08-45થી 10-25 સુધી), કર્ક લગ્ન (રાતે 02-45થી 04-55 સુધી), સિંહ લગ્ન (વહેલી સવારના 05-00થી 07-05 સુધી), ક્નયા લગ્ન (સવારના 07-05થી 09-05 સુધી) અને ધન લગ્ન(બપોરે 01-40થી 03-40)નો સમય બહુ જ શુભ હોવાનું જણાય છે.

તો તા. 14,15 સપ્ટેમ્બર 2020ના દિવસો દરમ્યાન ચંદ્ર કર્ક રાશિનો થાય છે, તેથી ચંદ્ર, સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શનિ એ છ ગ્રહો સ્વગૃહી થાય છે. જ્યારે બુધ, રાહુ અને કેતુ ઉચ્ચના થાય છે. ફક્ત શુક્ર સામાન્ય સ્થિતિમાં છે પરંતુ સ્વગૃહી ચંદ્રની સાથે છે. આ યોગ પણ તા. 13, સપ્ટેમ્બર, 2020ના સવારે 10-36થી શરૂ થઈ તા. 15 સપ્ટેમ્બર, 2020ના બપોરે 02-25 મિનિટ સુધી રહે છે. તેમાં પ્રાય: ઉપર પ્રમાણેના લગ્નસમયગાળા શુભ જણાય છે. માત્ર દરેકમાં 20-20 મિનિટ ઊમેરીને સમય ગણવો.

આ રીતે આઠ આઠ ગ્રહો શ્રેષ્ઠ પરિસ્થિતિમાં હોય તે દિવસો પણ દરેક મનુષ્ય માટે અને સકળ વિશ્વ માટે કલ્યાણકારક બની રહેશે તેમાં કોઈ નવાઈ નથી. વળી તા.13, સપ્ટેમ્બરના રવિવારે બપોરે 04-34થી રવિ-પુષ્ય યોગ અને સર્વાર્થસિદ્ધિ યોગ થાય છે. ઉપર જણાવેલ દિવસો અને સમયમાં કોઈપણ વ્યક્તિ પોતાને અનુકૂળ મંત્રજાપ, શુભકાર્ય, કે નવીન કાર્યનો પ્રારંભ કરી શકે છે.

કાંઈ નહિ તો પોઝિટીવ વિચાર કે પોતાની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું છે તેવું પણ વિચારે અને મનમાં સતત બોલે તો તે પ્રમાણે તેનું તે કાર્ય થવાની પૂરી સંભાવના છે. કોરોના માટેની રસી માટે આ દિવસોમાં ચોક્કસ નિર્ણાયક સ્વરૂપે જાહેરાત થાય તો કાંઈ નવાઈ પામવા જેવું નથી. આ દિવસથી સમગ્ર વિશ્વમાં કોરોનાની પરિસ્થિતિમાં ઘણો સુધારો આવશે અને ક્રમે કરીને ટૂંક સમયમાં જ તે સંપૂર્ણપણે નાબુદ થઈ જવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here